ટંકારાના હડમતીયા ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કર્યાનો ખાર રાખી તેમજ સામા પક્ષમાં રસ્તા માટે મામલતદારમાં કરેલ કેસ હારી જવાનું મનદુઃખ રાખી બંને પક્ષોના લોકોએ ઝપાઝપી કરી અપશબ્દો બોલી લાકડી, દાતરડા તથા પથ્થરથી સામસામે મારામારી કરી હતી. બનાવ મામલે બંને પક્ષોના લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે બનાવ બાદ બંને પક્ષોએ ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે થયેલ બબાલની પ્રથમ ફરિયાદ મુજબ હાલ મોરબી રવાપર રોડ ભંભોળીની વાડીમાં રહેતા પ્રકાશભાઇ રમેશભાઇ નકુમ ઉવ-૩૩ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા તથા કાંન્તાબેન ભીખાભાઇ સીણોજીયા રહે બંને હડમતીયા ગામ તા- ટંકારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે અગાઉ પ્રકાશભાઇએ આરોપી સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરી હોય તેનું મનદુઃખ રાખી આરોપી ભીખાભાઇ તથા કાંતાબેને પ્રકાશભાઈ અને તેની સાથે આવેલને જેમફાવે તેમ ગાળો આપી હતી. બાદ આરોપી ભીખાભાઇએ જમીન પરથી પથ્થર લઇ પ્રકાશભાઈનું માથુ ફોડી નાખી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામા પક્ષે હડમતીયા ગામે રહેતા ફરિયાદી ભીખાભાઇ વાલજીભાઈ સીણોજીયાએ આરોપી પ્રકાશભાઇ રમેશભાઇ નકુમ રહે- મોરબી તથા મનસુખભાઇ ડાયાભાઇ સીણોજીયા રહે-હડમતીયા ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ભીખાભાઈએ રસ્તા બાબતે ટંકારા મામલતદાર કોર્ટમા અરજી કરેલ હોય જેનો ચુકાદો ભીખાભાઇના તરફેણમા આવતા આ બાબતે બંને આરોપીઓને સારુ નહી લાગતા આરોપી પ્રકાશભાઈએ અને માનસુખભાઈએ ભીખાભાઇ તથા સાહેદને જેમફાવે તેમ ગાળો આપી જપાજપી કરી ભીખાભાઈને હાથના ખંભાના ભાગે મુંઢ ઇજા તથા આંખના નીચેના ભાગે દાતરડા વડે છરકા તેમજ પગમાં લાકડી ફટકારી હતી. ઝપાઝપી દરમિયાન સાહેદ વચ્ચે છોડાવવા જતા તેને ધકકો મારી પછાડી દઇ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ સામસામી ફરિયાદને આધારે પોલીસે બંને પક્ષના કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.