હળવદ મોરબી ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમા ખુલ્લા પ્લોટમાં ઇંગ્લીશ દારૂ/બીયરનું કટિંગ થાય તે પૂર્વે જ મોરબી એલ.સી.બી. ત્રાટકી હતી. અને સ્થળ પરથી માટીમાં છુપાવીને લાવેલ ઇંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જયારે સ્થળ પરથી અન્ય ઈસમો ફરાર થઇ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં એક RJ-27-GC-6977 નંબરનાં ટ્રકમાં માટીની આડમાં ઇંગ્લીસ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે અને આ જગ્યાએ ટ્રક હાલે પડેલ છે.
જે હકીકત મળતા જ એલ.સી.બી. ટિમ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા સ્થળ પરથી ટ્રક ટ્રેઇલર મળી આવતા તેમાંથી દારૂ/ બીયરનો જથ્થો તથા મેહુલભાઇ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારીયા (રહે.હળવદ મોરબી દરવાજા પાસે તા.હળવદ જી.મોરબી) નામનો ઈસમ મળી આવતા વિરુધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધવામાં આવ્યો છે. અને 8 PM વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૯૬ બોટલોનો રૂ.૨૮,૮૦૦/-, ગ્રીન લેબલ એક્સપર્ટ વ્હીસ્કીની ૧૬૮ બોટલોનો રૂ.૫૦,૪૦૦/-, બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૬૦ બોટલોનો રૂ.૫૧,૦૦૦/-, કિંગફીશર સુપર સ્ટ્રોગ બીયરના ૫૦૪ ટીનનો કુલ રૂ.૫૦,૪૦૦/-નો મુદ્દમાલ તથા ટૂંક ટ્રેઇલરનો રૂ.૧૦,૦૦,૦૦૦/-, સફેદ કલરની મારૂતી સુઝુકી અલ્ટોનો રૂ.૧,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોનનો રૂ.૫૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૧૨,૮૫,૬૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ તપાસ દરમિયાન RJ-27-GC-6977 નંબરનાં ટાટા ટ્રક ટ્રેઇલરનાં ચાલક, બ્લેક કલરની XUV ગાડીનો ચાલક પંકજભાઇ ગોઠી (રહે હળવદ કણબીપરા) તથા GJ-01-RC-7832 નંબરની સફેદ કલરની મારૂતી સુઝુકી અલ્ટોનાં ચાલકનું નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.