રોડ ઉપર કૂતરું વચ્ચે ઉતરતા ઉભું રાખેલા બાઇકને પાછળથી બેફામ ગતિએ આવતા ડમ્પરે ઠોકર મારી યુવકના માથા પર વ્હીલ ફેરવી દીધું
મોરબીમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધ્યો હોય, તેમાંય રોડ ઉપર બેફામ અને ગફલતભરી રીતે ચાલતા ડમ્પરો દ્વારા વધારે પડતા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અકસ્માતના બનાવોમાં અંકુશ મુકવા લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતના બનાવમાં રંગપર(બેલા) ગામ નજીક જેતપર રોડે કૂતરું વચ્ચે આવતા બાઇકને બ્રેક મારી ઉભું રાખતા પાછળ બેફામ ગતિએ આવતા ડમ્પરની ઠોકરે યુવક નીચે પડી જતા ડમ્પરનું વ્હીલ યુવકના માથા ઉપર ફરી વળતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર અકસ્માતના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૪/૦૭ના સાંજના સમયે હાર્દિકભાઈ અણદાભાઈ ફેફર પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.જીજે-૩૬-જે-૮૩૧૯ લઈને સીરામીકની નોકરી પુરી કરીને ઘરે પરત જતા હોય ત્યારે રંગપર ગામની સીમમાં જેતપર રોડ કોયો સીરામીક પાસે રોડ ઉપર અચાનક બાઇક આડે કૂતરું ઉતરતા હાર્દિકભાઈએ પોતાના બાઇકને બ્રેક મારી ઉભું રાખેલ ત્યારે પાછળ પુરપાટ ગતિએ તથા બેદરકારી રીતે ચલાવી આવતા ડમ્પર રજી.નં. જીજે-૩૬-ટી-૬૮૮૧ના ચાલકે બાઇકને ઠોકર મારી હતી. જેથી બાઇક ચાલક હાર્દિકભાઈ નીચે પડી જતા માથા ઉપર ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું. ત્યારે હાર્દિકભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ શ્રી સતીષભાઇ અણદાભાઇ ફેફર ઉવ.૩૯ રહે.હાલ ભરતનગર, મુળરહે.હીરાપર તા.ટંકારા દ્વારા આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.