મોરબીની મચ્છુ નદીના પટમાં BAPS દ્વારા જે દીવાલ બનાવવામાં આવી છે તેને તોડી પાડવા તંત્રએ નોટિસ આપી અને તોડવાની કામગીરી પણ શરૂ કરી ત્યારે ગઈકાલે મોરબીમાં હિન્દુ સંગઠનો અને સિરામિક એસોસિયેશન દ્વારા આ દીવાલ નહિ તોડવા રજૂઆત કરી હતી ત્યારે આજે મચ્છુ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મોરબી ગામના નીચાણવાળા વિસ્તારના જાનમાલને નુકસાન કરતી દિવાલ હટાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના નગરજનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે. મોરબી ગામમાં નીચાણવાળા વિસ્તારના લોકોના જાનમાલને નુકસાન કરતી દિવાળી હટાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. મોરબી મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ દ્વારા ઘણી ઊંચી દીવાલ બનાવવામાં આવી છે. જે નદીના વહેણને અંતરાયરૂપ બની રહી છે. અને ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે નદીમાં પાણી આવતા નીચાણવાળા વિસ્તાર જેવા કે વજેપર, મકરાણીવાસ, ખાખરેચી દરવાજાનો વિસ્તાર, જેલ રોડ, વાઘપરા તથા અન્ય વિસ્તારોમાં પાણી આવતા મોરબી નગરજનોના જાનમાલને જોખમ ઉભુ થઈ રહ્યું છે અને હાલ ચોમાસુ ચાલતું હોય ત્યારે પાણી આવતા ભયંકર દુર્ઘટના ઘટે તે પહેલા આ દિવાલ તોડી પાડવા માટે નગરજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમજ નર્મદા અને કલ્પસર સિંચાઇ વિભાગના પરિપત્ર મુજબ નદી કાંઠાના ઉપર ડેડ વોટરથી ઓછા માં ઓછું 30 થી 50 મીટર જગ્યા છોડીને બાંધકામ કરવું જોઈએ તેવી સ્પષ્ટ સૂચના છે. ત્યારે લોકોના જાનમાલના રક્ષણ માટે આ દિવાલ તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.