મોરબી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે.મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના કારણે એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો.જેના કારણે તેમાં સવાર ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ત્યારે એમ્બ્યુલન્સ અંગે ઓનલાઈન એપ્લિકેશન મારફતે તપાસતા એમ્બ્યુલન્સની ફિટનેસ ગત વર્ષે પૂર્ણ થઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.જેમાં મોરબી સિવિલ હોસ્પિટલની GJ 18 G 8697 નંબરની એમ્બ્યુલન્સ રાજકોટ પેશન્ટ મૂકીને મોરબી પરત આવી રહી હતી. ત્યારે તેનો રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર શરીફ ઉસ્માનભાઈ સોલંકીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે એમ્બ્યુલન્સ અંગે ઓનલાઇન એપ્લિકેશન મારફતે ચેક કરતા એમ્બ્યુલન્સની ફિટનેસ ગત વર્ષે જ પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહિ. આ માહિતી સામે આવ્યા બાદ અન્ય એમ્બ્યુલન્સની પણ ફિટનેસ તપાસ કરવામાં આવતા મોરબી સિવિલ હોસ્પિટલની અક્સ્માત ગ્રસ્ત એમ્બ્યુલન્સ GJ 18 G 8697 નું ફિટનેસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે છતાં પણ આ એમ્બ્યુલન્સ દર્દીઓ ની હેરફેર કરવામાં આવતી હતી અને ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ડ્રાઈવર સહિત અન્ય કેટલાય દર્દીઓના જીવનના જોખમે આ એમ્બ્યુલન્સ ચલાવી સિવિલ હોસ્પિટલ તંત્રએ ઘોર બેદરકારી દાખવી હતી.
તેમજ સિવિલ હોસ્પિટલની અન્ય GJ 18 G 8027 નંબરની એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ ૧૬ જુલાઈ ૨૦૨૪ ના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે જોકે આ બનાવ બાદ આજે હવે ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરવા હોસ્પિટલ તંત્રએ દોડધામ શરૂ કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે.ત્યારે પ્રકારની ગંભીર બેદરકારી મામલે તપાસ થવી જોઈએ અને BU તેમજ ફાયર NOC માટે જે પ્રમાણે કડક કાયૅવાહી થતી હતી તે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકચર્ચાઓ શરૂ થઈ છે.