મોરબીમાં ખેડૂત ખાતેદારને પ્રમાણપત્ર અને હક્કપત્રકની ટાઇટલ ક્લીયર માટે જરૂર હતી. જે આપવા માટે તલાટીએ તેની પાસેથી 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તલાટીને ઝડપી તેના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ચાર વર્ષની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા જયંતીલાલ વલ્લભદાસ રાવલ નામના અરજદારે તેની નવા સાદુળકા ગામે આવેલ જમીન વર્ષ 2011 માં વેચાણ કરવી હતી જેથી તેને હક્કપત્રક ટાઇટલ ક્લીયર નોંધ આપવા તેમજ જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્રની જરૂર હતી. જેથી તેણે સાદુળકા ગામના તે સમયના તલાટી મંત્રી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તલાટી મંત્રીએ કહ્યું હતું કે, તેને હોન્ડા લેવું છે જેથી 50 હજારની લાંચ આપવી પડશે. જે અંગે અરજદાર જયંતિલાલે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવી આરોપી પીતાંબરભાઈ બાપોદરિયાને લાંચ લેતા ઝડપી લીધા હતા. અને તે અંગે ગુનો દાખલ કર્યો હતો. જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલતા જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ 7 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે આરોપી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાને ભ્રષ્ટાચાર નિવારણની કલમ 7 હેઠળ ગુન્હેગાર ઠેરવી એક વર્ષની સજા અને 5000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા ફટકારી છે. તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કલમ 13 (2) સાથે કલમ 13(1)(ઘ) ના ગુન્હામાં કસુરવાન ઠેરવી ચાર વર્ષની કેદ અને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને દંડ ન ભરે તો વધુ 60 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.