મોરબી શહેરમાં અપમૃત્યુના બે બનાવ તથા વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સીરામીક ફેક્ટરીમાં એક અપમૃત્યુના એમ કુલ ત્રણ બનાવ જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયા છે.
જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર સિલ્વર હાઇટ્સની બાજુમાં નવા બની રહેલા ગોલ્ડન હાઇટ્સમાં પાંચમે માળે પરિવાર માટે જમવાનું લઈને આવેલ શ્રમિક પરિવારનો ૧૬ વર્ષીય પુત્ર મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના વતની હાલ ઘુનડા રોડ ઉપર ઝૂંપડામાં રહેતા કરમસિંહ નવલસિંહ બામનીયા લિફ્ટની જગ્યા રાખવામાં આવી હોય ત્યાંથી અકસ્માતે પગ લપસતા નીચે પટકાયો હતો. જેથી તેને બેભાન હાલતમાં સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. હાલ મૃત્યુના બનાવની એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવની વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક શિવમ હાઇટ્સમાં કામ કરી રહેલા જયકુમાર રાધેલાલ યાદવ ઉવ.૩૯ રહે.મોરબી મીલનપાર્ક મહેંદ્રનનગરવાળા ગત તા. ૨૨/૦૭ના રોજ કામ કરતી વેળા માથા ઉપર ઇટ પડતા તેને પ્રાથમિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જતા જ્યાં તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે રાજકોટ પોલીસે પ્રાથમિક નોંધ કરી મોરબી બી ડિવિઝન ખાતે જાણ કરતા અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સનસાઈન સીરામીક યુનિટ-૨માં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની વીરાનકુમાર ઉર્ફે વીરુ લાલાભાઇ કોલ ઉવ.૨૬ને પોતાની પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુઃખ થતા જે બાબતનું લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકની ડેડબોડી પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં પોલીસે અ.મૃત્યુ અંગેની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.