મોરબીના વાવડી રોડ ઉપર પુરપાટ ગતિએ આવતા ટાટા કંપનીના છોટાહાથી વાહને બાઇક સવાર બે યુવકને ટક્કર મારતા બાઇકની પાછળની સીટમાં બેસેલ યુવક નીચે પડી જતા માથામાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માતની આ ઘટનામાં છોટાહાથી વાહનનો ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકી નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના નાનીવાવડી રોડ ઉપર ન્યારા પેટ્રોલપંપની બાજુમાં પુરઝડપે અને બેફિકરાઈથી રોડ ઉપર ચલાવી આવતા ટાટા કંપનીના બ્લુ કલરના છોટાહાથી રજી.નં. જીજે-૩૬-વી-૦૯૭૩ના ચાલકે રોડ ઉપર આગળ જઈ રહેલા બાઇક રજી.નં.આરજે-૨૧-ડીએસ-૫૭૨૧ને હડફેટે લેતા બાઇકમાં સવાર બે યુવક પૈકી પાછળની સીટમાં બેસેલ મૂળ રાજસ્થાનના રાજેન્દ્રસિંહ ભાટી નામનો યુવક નીચે રોડ ઉપર પટકાયો હતો, જેથી તેને માથામાં અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી છોટાહાથીનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માત અંગે મૃતકના પિતરાઈ ભાઈ બાઇક ચાલક ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટી ઉવ.૩૦ રહે.સલોગન વેલા સોસાયટી લતીપર તા.ટંકારા મુળ રહે.કુરડાયા ગામ રાજસ્થાનની ફરિયાદના આધારે પોલીસે છોટાહાથી ચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવા આગળની તપાસ ચલાવી છે.