હળવદના સરા રોડ ઉપર પંચામૃત બંગલોઝ નામની સોસાયટી બનતી હોય ત્યારે તે સાઇટ ઉપર કડીયા કામ કરતા વઢવાણ ગામના કડીયાનું સાઇટ બહાર જાહેરમાં પાર્ક કરેલ બાઇક કોઈ જાણભેદુ દ્વારા ચોરી કરી લઈ ગયા હોય. હાલ બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ ગઈકાલે હળવદ પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક ચોર અંગે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ગામના રહેવાસી હાલ હળવદના સરા રોડ ઉપર પંચામૃત બંગલોઝ નવી બનતી સોસાયટીની સાઇટ ઉપર રહેતા અશ્વિનભાઈ નાથાભાઇ મકવાણા ઉવ.૩૨ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે છેલ્લા ત્રણ મહિનાથી હળવદના સરા રોડ ઉપર બની રહેલ સોસાયટીમાં અશ્વિનભાઈ કડીયા કામ કરે છે ત્યારે ગત તા. ૨૦/૦૭ના રોજ અશ્વિનભાઈએ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૧૩-બીએફ-૦૮૦૨ વાળું બાઇક નવી બની રહેલ સોસાયટીની સાઇટ બહાર જાહેરમાં પાર્ક કરી પોતાની કાર લઈને પોતાના વતન વઢવાણ ગામે ગયા હતા અને તે બાઇકની ચાવી સોસાયટીના રસોડામાં ગેસના બાટલા નીચે રાખી હતી ત્યારે અશ્વિનભાઈ એક દિવસ બાદ એટલે કે તા.૨૨/૦૭ના વહેલી સવારે ૫ વાગ્યે વઢવાણથી હળવદ સાઇટ ઉપર આવીને જોતા સાઇટ બહાર પાર્ક કરેલ બાઇક અને રસોડામાં સિલિન્ડર નીચે રાખેલ બાઇકની ચાવી પણ જોવા નહીં મળતા આજુબાજુમાં બાઇકની તપાસ કરતા બાઇક ક્યાંય મળી આવેલ ન હોય જેથી અશ્વિનભાઈ દ્વારા પોતાના ચોરી થયેલ બાઇકની પ્રથમ ઇ-એફઆઈઆર બાદ હળવદ પોલીસ મથકમાં રૂબરૂ એફઆઈઆર નોંધાવતા હાલ પોલીસે અશ્વિનભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર ઈસમોને પકડી પાડવા તપાસની તજવીજ હાથ ધરી છે.