મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે સદાબહાર ગાયક કલાકાર કિશોરકુમારની યાદીમાં ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યો દ્વારા કિશોરકુમારના પ્રખ્યાત કર્ણપ્રિય ગીતો ગાયા હતા. જ્યારે આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત યુવા ગાયિકા કુમારી મીરાએ પોતાની આગવી શૈલીમાં જુનાગીત, ભજન, પ્રાર્થના થકી સંગીત સમારોહને ચાર ચાંદ લગાવી દીધા હતા.
મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ કાયાજી પ્લોટ ધન્વંતરિ ભવન ખાતે ફ્રેન્ડશીપ દિવસની અલગ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય ફિલ્મ જગતના વિખ્યાત ગાયક, અભિનેતા, નિર્દેશક એવા કિશોરકુમારની યાદમાં એક ગીત-સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ડો.નવીનભાઈ પારેખ અને ડો.ભગવાનજી ફલદુ, વાય એન. આડેસરા, ડૉ.એમ.ડી.જાડેજા અને વડીલો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
આ ગીત-સંગીત કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મોરબીની સુવિખ્યાત યુવાગાયિકા હૈદરાબાદી હીર અને હાલ મોરબી સ્થિત કુ.મીરા બોપલિયાના મધુરકંઠે જૂના ફિલ્મી ગીતો, પ્રાર્થના અને ભજનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કુ.મીરાએ પોતાની અસાધારણ આગવી શૈલીમાં પ્રસ્તુત કરેલ ગીતોમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સિનિયર સીટીઝનસ ખરેખર ડોલવા લાગ્યા હતા તો કોઈ નાચવા લાગ્યા હતા. ત્યારે બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ રસાનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમમાં ભોજનના દાતા અને મોરબીના પ્રતિષ્ઠિત ડૉ.નવીનભાઈ પરીખનું ફૂલહાર અને શાલથી ફાઉન્ડેશનના પ્રમુખ ડો.લહેરુસાહેબ, મંત્રી મહેશ ભટ્ટ અને કારોબારી સદસ્યો દ્વારા સન્માન કરવામા આવ્યું હતું. કલાકાર મીરા બોપલિયાનુ સન્માન શ્રીમતી ઊર્મિલાબેન લહેરુએ કર્યું હતું. ડો.ફલદુનું સન્માન ડો. ભાલોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે કલાકારનું ગૌરવ કરવા માટે કુ.મીરાને કલાકાર નારીવૃંદની મધ્યમાં રહીને નારીશક્તિ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. અંતમાં કલાકાર મીરાં દ્વારા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ સમારોહમાં એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો.ભાલોડિયા, નારણબાપા ભાડજા, ડો.મહેશ્વરી, ચુનીભાઈ રાજપરા, ઘનશ્યામ પુજારા, વલ્લભભાઈ બારૈયા વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. સિનિયર સીટીઝન મિત્રો દ્વારા પણ પોતાની કલા પ્રસ્તુતી કરી હતી, જેમાં અંતાણીસાહેબ દ્વારા મેરા નામ જોકરનું ‘જીના યહાં મરના યહાં….અભિનય સાથે ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. મહેમાનોનો પરિચય આડેસરાસાહેબે આપ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આભારવિધિ ડો.ભાવેશ જેતપરિયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, રાંકજા સાહેબ, ચડાસણિયાસાહેબ, સવજીભાઈ અઘારા અને અન્ય કમિટી સદસ્યોએ જહેમત લીધી હતી.