ગઈકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે ગઈકાલે પ્રથમ સોમવારે વહેલી સવારથી શિવ મંદિરો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. ત્યારે શ્રાવણના પહેલા સોમવારે સરકારી શાળાના શિક્ષિકાએ સંસ્કૃતિ સિચન સાથે શિવ સ્તુતિ થકી વિદ્યાર્થીઓને શબ્દો શિખવવા સુર સંભળાવ્યા હતો.
ટંકારાના ભુતકોટડા પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે બાળ છાત્રોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ભૂતકોટડા પ્રા. શાળામાં શિવ સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનાં ડિજિટલ યુગમાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાય ને આપણા ધાર્મિક મૂલ્યોને ભૂલતા જાય છે. મોબાઈલના અતિશય ઉપયોગથી બાળકો પણ ડિજિટલ બનતા જાય છે. આ સમયે આપણા ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપવું એ એક શિક્ષકની પહેલી ફરજ સમજી શિક્ષિકા ગિતાબેન સાંચલાએ પ્રાચીન પરંપરાને ઉજાગર કરવા અને બાળકોને માહિતગાર કરવા ભૂતકોટડા પ્રા.શાળામાં કક્કા સ્વરૂપે શિવની સ્તુતિ કરી તેમજ બાળકોને પ્રાર્થનામાં શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને શિવ મહિમાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.