સોમવારના પવિત્ર દિવસ સાથે શ્રાવણ માસની શરૂઆત થઈ છે. તમામ મંદિરથી માંડીને દરેક ઘરમાં દેવાધિદેવ મહાદેવની વિશેષ ભક્તિના પર્વ સમાન આ મહિના દરમિયાન ધાર્મિક વાતાવરણ જાળવી રાખવું જરૂરી છે. તેથી શ્રાવણ માસ દરમ્યાન વાંકાનેરના જાહેર માર્ગો પર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મુકવા વિશ્વ હિન્દુ પરિષદ વાંકાનેર તથા બજરંગદળ દ્વારા વાંકાનેરના ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ વાંકાનેર તથા બજરંગદળ દ્વારા વાંકાનેરના ડેપ્યુટી કલેકટરને પાઠવાયેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે તા. ૫-૮-૨૦૨૪ ના રોજથી હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકોએ પુજા પાઠ અને આરાધના કરતા હોય છે. તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલો છે. તો આ દરમ્યાન વાંકાનેર શહેરના જાહેર સ્થળો અને જાહેર માર્ગો પર જે જગ્યાએ માંસાહાર કે ઈડાઓનું વેચાણ ચાલું હોય તેના પર એક માસ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.