ભારે વરસાદના કારણે ઝૂંપડામાં રહેતા અનેક જરૂરિયાતમંદોના ચૂલા સળગ્યા ન હતા : રેનબસેરામાં પણ વહીવટી તંત્રના સહયોગમાં રહી લોકોની જઠરાગ્નિ ઠારવામાં આવી.
સેવા માટે હંમેશા તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ સ્થળાંતરીત 1000થી વધુ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજુ પણ તેઓ દ્વારા આ સેવાનો વ્યાપ વધારવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
દરેક તહેવારોને અલગ રીતે ઉજવવામાં તેમજ સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને ગ્રુપના સભ્યો દ્વારા આજે ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદને કારણે ચૂલા સળગ્યા ન હોય તેઓને ભૂખ્યા ન રહેવું પડે તે માટે આ સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો હતો.
મોરબીના બાયપાસ રોડ, નવલખી ફાટક રોડ, અને સામાકાંઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને રેનબસેરામાં આશરો આપવામાં આવ્યો છે. તેવા લોકોને પણ તંત્રના સહયોગમાં રહીને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.