વાંકાનેરના પાંચ દ્વારકા આયુષ્માન આરોગ્ય મંદિર અને મોરબીના લાલપર પી.એચ.સી. ખાતે સફળ પ્રસૂતિ કરાવાઈ
સગર્ભા મહિલાઓ માટે સર્વે કરી ખાસ કાળજી રાખવામાં આવી રહી છે
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના અન્વયે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ ટીમ તૈનાત રાખવામાં આવી છે.
હાલ જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિમાં સીનીયર સીટીઝન, બાળકો તેમજ સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવાની જરૂરિયાત રહે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકો માટે ખાસ સર્વે કરી વિગતો મંગાવવામાં આવી હતી અને ખાસ કરીને સગર્ભા મહિલાઓની સંભાળ માટે સંબંધિત આરોગ્ય કેન્દ્રોને સુચના આપવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, અને જે મહિલાઓની નજીકના દિવસોમાં પ્રસુતિ થવાની સંભાવના હોય તેવી સગર્ભા મહિલાઓની વિશેષ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરમાં તથા મોરબી તાલુકાના લાલપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ કરવામાં આવી છે.
મોરબી આરોગ્ય શાખાના ડો. હાર્દિક રંગપરિયાના જણાવ્યા અનુસાર વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા આયુષ્માન આરોગ્ય મંદિર હેઠળ આવતા વાડી વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષિય ફુલબાઈ સુગરીયા પચાયાને વહેલી સવારે પ્રસુતિનો દુખાવો ઉપાડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચ દ્વારકા ના CHO અને FHW ની મદદથી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. જેમની આરોગ્ય તપાસ કરતા તેમનું HB ઘણું ઓછું હતું અને ૧૦૮ વાહનને ભારે વરસાદની પરિસ્થિતિને કારણે આવવામાં વાર લાગે તેમ હતું. સગર્ભાબેનને લેબર પેઇન વધારે હોવાથી CHO સમા નઝમાબેન અને FHW પરાસરા ગુલસનબેન દ્વારા સફળ પ્રસુતિ કરવવામાં આવી હતી, માતા તથા બાળકની તબિયત સારી છે.
ઉપરાંત મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે ચાલુ વરસાદે સવારે ૦૮:૨૦ કલાકે ટીંબડી ગામથી રીક્ષા મારફતે સગર્ભા મહિલાને ડીલીવરી માટે લઈ આવ્યા હતા. જેમની સફળ ડીલીવરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરની ટીમ દ્વારા સવારે ૧૦:૪૪ ના કરાવવામાં આવી. હતી હાલ માતા અને બાળક તંદુરસ્ત છે તેમજ બાળકને જન્મ સમયનું તમામ રસીકરણ પણ કરી આપવામાં આવ્યું છે.