કૌંટુંબીક ત્રણ ભત્રીજા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ
ટંકારાના તિલકનગર વિસ્તારમાં જુના ઝઘડામાં પોલીસ ફરિયાદ થઈ હોય જેનો ખાર રાખી શેરીમાં ગાળો બોલતા કૌંટુંબીક ભત્રીજાને કાકી દ્વારા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલા ત્રણેય ભત્રીજા તથા તેમના દીકરા સહિત ચારેય શખ્સોએ ઘરમાંથી ધોકા-ધારીયા ધારણ કરી કાકી તથા તેમની દીકરી, તેમના દીકરાની પત્ની-પુત્ર સહિત ચાર ઉપર હુમલો કરતા તેઓને માથામાં તથા શરીરે ઇજાઓ કરતા પ્રથમ ટંકારા સિવિલ હોસ્પિટલ બાદ મોરબી ત્યાંથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરાયા હતા. ત્યારે સમગ્ર બનાવ અંગે ચારેય આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઇ છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના કોઠારીયા રોડ કનૈયા ચોક ખાતે રહેતા જશુબેન લખનભાઈ પ્રેમજીભાઈ સોઢા ઉવ.૩૪ એ રાજકોટ સર્જીકલ વોર્ડમાંથી ટંકારા પોલીસ સમક્ષ આરોપી (૧)નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, (૨)કાનો નવીનભાઇ ગોહીલ (૩)ભોલો કાનાભાઇ ગોહીલ તથા (૪)મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે- બધા ટંકારા તીલકનગરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે જશુબેનના ભાઇ દિનેશભાઇને અગાઉ ઉપરોક્ત આરોપીઓ સાથે ઝધડો થતા પોલીસ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ગત તા. ૨૬/૦૮ના બપોરના અરસામાં જશુબેન અને તેમના બા તથા તેમનો ભત્રીજો તેમના ઘર પાસે શેરીમા બેઠા હોય તે વખતે આરોપી નવઘણ, કાનો અને ભોલો શેરીમાં આવી ત્યાં ગાળો બોલતા બોલતા નીકળતા જશુબેનના બા જડીબેને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા એકદમ ઉશ્કેરાઇ જઇ ચારેય આરોપીઓ પોતાના ઘરમાંથી લાકડી, ધોકા તથા ધારીયા ધારણ કરી આવી જડીબેનને લાકડાના ધોકકા તથા ધારીયા વડે શરીરે તથા માથાના ભાગે ઘા માર્યા હતા ત્યારે જડીબેનની પુત્રવધુ માનુબેન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ ધારીયા તથા લાકડાના ધોકાનો ધા મારી ઇજાગ્રસ્ત કર્યા હતા તેમજ જશુબેનને પણ લાકડાના ધોકા વડે પગમાં માર માર્યો હતો તથા તેમના ભત્રીજાને પણ મૂંઢ માર મારવામાં આવ્યો હતો અને આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારે ચારેય ઇજાગ્રસ્તોને પ્રથમ ટંકારા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં જડીબેન માનુબેન અને જશુબેનના ભત્રીજાને માથામાં ટાંકા સહિતની સારવાર દેવામાં આવી હતી. હાલ પોલીસે જશુબેનની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.