મોરબીમાં મેઘરાજાએ છેલ્લા થોડા દિવસથી કહેર મચાવ્યો હતો. જે બાદ આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. તો બીજી તરફ બે દિવસથી સતત વરસાદ બાદ મોરબી જીલ્લાના ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. તો ચાલો જાણીએ હાલ મોરબી જિલ્લાના ક્યાં ડેમની કેવી સ્થિતિ છે
બે દિવસથી સતત વરસાદ બાદ મોરબી જીલ્લાના ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેમાં મોરબી જિલ્લામાં આવેલા કુલ દસ ડેમોમાંથી છ ડેમ ૧૦૦% ભરાયાં છે. જેમાં મચ્છુ ૧ ડેમ ૧.૨૦ ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે. જયારે મચ્છુ ૨ ડેમના બે દરવાજા ૮ ફૂટ ખોલી ૧૦૨૫૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે મચ્છુ ૩ ડેમના ૭ ગેટ બે ફૂટ ખોલી ૧૨૫૭૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ ડેમી ૧ ડેમ ૦.૧૬ ફૂટ ઓવરફલો થઈ રહ્યો છે. અને ડેમી ૨ ડેમના બે ગેટ ત્રણ ઇંચ ખોલી ૩૮૮ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ ડેમી ૩ ડેમનો એક ગેટ એક ફૂટ ખોલી ૭૬૬ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જયારે બ્રાહ્મણી ૧ ડેમ ૦.૭૦ ફૂટ ઓવર ફલો થઈ રહ્યો છે. અને બ્રાહ્મણી ૨ ડેમના છ ગેટ ૧.૫૦ ફૂટ ખોલી ૭૭૯૫ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તથા ઘોડધ્રોઈ ડેમનો એક ગેટ ૦.૩૦ મીટર ખોલી ૧૫૨૬.૩૭ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અને બંગાવડી ડેમ ૦.૧૫ મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.