તમામ તૈયારીઓ સાથે આરોગ્ય વિભાગ સજ્જ,વરસાદ બંધ થતાં જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ
આરોગ્ય ટીમ ઘરે ઘરે જઈને કલોરીનેશન, દવા છંટકાવ, મચ્છરના ઉપદ્રવનો નાશ અને આરોગ્ય તપાસ સહિતની કામગીરી કરી રહી છે
મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ હવે જનજીવન પૂર્વવત બને તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લાની આરોગ્ય શાખા દ્વારા યુદ્ધના ધોરણે રોગચાળા અટકાયતી કામગીરી શરૂ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં ભારે વરસાદ અને પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાં જ જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.બી.મેહતાની સૂચના અનુસંધાને જીલ્લા એપિડેમીક ઓફિસર ડો.ડી.વી.બાવરવા અને જીલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા હેઠળના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય ટીમ દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે રોગચાળા અટકાયતી કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. જીલ્લાવાસીઓની આરોગ્યની જાળવણી માટે તમામ તૈયારીઓ સાથે જીલ્લા આરોગ્ય વિભાગ સજ્જ છે.
મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય શાખાની સમગ્ર ટીમ મોરબી જીલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે તમામ કામગીરી કરવા કટિબદ્ધ છે. જે અન્વયે જીલ્લામાં તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સુપરવાઇઝરના સુપરવિઝન અને મોનીટરીંગ હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના CHO, FHW, MPHW તેમજ આશાબહેનોની ટીમ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ઘરે ઘરે જઈને એન્ટીલાર્વલ કામગીરી, વરસાદી પાણીના ખાડા ખાબોચિયામાં મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે બળેલું ઓઇલ નાખવાની કામગીરી અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા નકામા પાત્રોનો નિકાલ કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. ઉપરાંત તાવના દર્દીઓના મેલેરિયા રોગ નિદાન માટે લોહીના નમૂના લઈને ચકાસણી અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોકલવામાં આવે છે અને તે મુજબ સારવાર કરવામાં આવી રહી છે.
જીલ્લાની પરિસ્થિતિ જોતા વરસાદી પાણીના લીધે પાણીજન્ય રોગચાળો ન ફાટી નીકળે તે માટે ડસ્ટીંગ કામગીરી તેમજ પીવાના પાણીના સંપ તથા ઘરે ઘરે જઈને પીવાના પાણીમાં ક્લોરીનેશનની ચકાસણી કરવામાં આવી રહી છે અને ક્લોરિન ગોળી અને જરૂર જણાયે ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વરસાદ બાદ લોકોને ક્લોરીનયુક્ત અને ઉકાળેલું પાણી પીવા, વારંવાર સાબુથી હાથ ધોવા, બહારનો ખોરાક ટાળવો, ઘરનો સ્વચ્છ અને સ્વાસ્થયવર્ધક ખોરાક જ ખાવો, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, તાવ – ઝાડા – ઊલટીના કેસમાં નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો વગેરે વિશે માહિતગાર કરીને સ્વાસ્થ્ય જાળવવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આવી વિષમ પરિસ્થિતિમાં આરોગ્યના કર્મચારીને સહકાર આપી ઘરગથ્થુ કચરાનો યોગ્ય નિકાલ કરવા, વૃદ્ધ અને નાના બાળકોની વિશેષ કાળજી રાખવા તથા ખોટી માહિતી કે અફવાઓ પર ધ્યાન ન આપી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વખતોવખતની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જીલ્લા પંચાયત મોરબીની આરોગ્ય શાખા દ્વારા મોરબીની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.