Sunday, November 24, 2024
HomeGujaratઆરોપીને સજા મળવામાં પોલીસ તપાસ મહત્વની:અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ના...

આરોપીને સજા મળવામાં પોલીસ તપાસ મહત્વની:અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીરવયની દીકરીની માતા દ્વારા તા.૮-૧૦-૨૦૧૯ ના રોજ આરોપીએ સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવી ફરવાના બહાને મંદિર ખાતે લઇ હાર પહેરાવી લગ્ન કરી મૂળી તાલુકાના ખામ્પાલીયા ગામે પોતાના માલિકી મકાન ખાતે લઈ જઈ પત્ની તરીકે રાખી શારીરિક અડપલા કરતા દીકરીએ આવી પોતાની માતાને સમગ્ર વાત જણાવતા દીકરીની માતા દ્વારા નારોલ પોલીસ સ્ટેશન ખાતે પોકસો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ અમદાવાદ શહેરના મહેરબાન સ્પેશ્યલ જજ (પોકસો) સાહેબની કોર્ટે નં.૧૦ ના જજ સાહેબ દ્વારા તા. ૨૯/૦૮/૨૦૨૪ ના રોજ આરોપી રાજુ ઉર્ફે ભુવો નવધણભાઇ હેમુભાઈ દેવીપુજકને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીરવયની દીકરીની માતા દ્વારા તા.૮-૧૦-૨૦૧૯ ના રોજ અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સંતાનમાં ત્રણ દિકરીઓ છે જેમાં ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ ૯-માસની છે તેની જન્મ તા.૧-૧- ૨૦૦૩ છે જે ઘરકામ કરે છે તે સ્કુલમાં ગયેલ નથી, તા.૧૪-૮-૨૦૧૯ ના રોજ તેઓના ઘરના ઉપરના માળે રસોઈ બનાવતા હતા તે દરમ્યાન બપોરના બારેક વાગ્યાના આસપાસ ભોગ બનનાર દિકરી નાની દિકરીને ઉપરના માળે મુકવા માટે આવેલી હતી અને ત્યારબાદ નાની દિકરી ફરિયાદીને રસોઈ બનાવવા દેતી ન હોય તેથી ભોગ બનનાર દિકરીને બુમ પાડતા તે આવી ન હતી. ત્યારે મકાનના નીચેના ભાગે જોતા તે ઘરમાં હાજર ન હતી તેથી આજુબાજુ તપાસ કરતા જોવા મળી ન હતું ત્યારે વધુ તપાસ કરતા મકાનની સામેના ભાગે રહેતો છોકરો રાજુ ઉર્ફે ભુવો નવધણભાઇ હેમુભાઈ દેવીપુજક તેમની ભોગ બનનાર દિકરી સાથે વાતોચીત કરતો હોય તેની ઉપર શંકા જતા તેના ઘરે તપાસ કરતા તે પણ ઘરે હાજર ન હોય જેથી પાકી ખાત્રી કરી, રાજુ તેમની દિકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદ્દે ભગાડી લઈ ગયો હતો જેની પોલીસમાં કોઇ જાણ કરેલ ન હોવાથી તેમની રીતે તપાસમાં કરી તા.૮-૧૦-૨૦૧૯ ના રોજ ભોગ બનનાર દિકરી તથા રાજુ પરત ઘરે આવતા અને દિકરીની પુછપરછ કરતા દિકરીએ જણાવ્યું હતી કે તા. ૧૪-૮-૨૦૧૯ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના આસપાસ રાજુએ ઇશારો કરી બહાર રોડ ઉપર બોલાવી, ચાલ આપણે બંને મણીનગર કાંકરીયા ખાતે ફરવા માટે જઇએ. તેમ કહી કાંકરીયા મણીનગર ખાતે ફરવા લઈ ગયો અને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની ખાત્રી આપી ધાંગ્રધ્રા ખાતે હનુમાન તથા ગણપતિ દાદાના મંદિરે લઇ જઇ તેની સાથે ફુલહાર કરી રાજુ તેના વતન મૂળી તાલુકાના ખામ્પાલીયા ખાતે લઇ જઇ તેના મકાનમાં પત્નિ તરીકે રાખવા લાગ્યો હતો. તે દિવસે કડીયા કામની મજુરી કામ કરતો અને તેણીને શારીરીક અડપલાઓ કરી દરરોજ રાત્રીના સમયે રાજુ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો. જે હકીકત ભોગ બનનાર દિકરીએ જણાવતા તેની વિરૂદ્ધ અલગ અલગ કલમ તેમજ પોકસોની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ અમદાવાદ શહેરના મહેરબાન સ્પેશયલ જજ (પોકસો) સાહેબની કોર્ટે નં.૧૦ માં ચાલ્યો હતો. જે ફરિયાદ પક્ષ દ્વારા ૧૨ મૌખિક અને ૧૯ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારે તા. ૨૯/૦૮/૨૦૨૪ માં રોજ આરોપી રાજુ ઉર્ફે ભુવો નવધણભાઈ હેમુભાઈ દેવી પુજકને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫(૧) અન્વયે ઈ.પી.કો.કલમ- ૩૬૩, ૩૬૬ મુજબના શિક્ષાને પાત્ર ગુના અંગે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે, તેમજ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫(૨) અન્વયે પોકસો એકટની કલમ-૩ મુજબના શિક્ષાને પાત્ર ગુના અંગે કલમ-૪ અન્વયે તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા, ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫(૨) અન્વયે પોક્સો એકટની કલમ-૫(એલ) મુજબના શિક્ષાને પાત્ર ગુના અંગે કલમ-૬ અન્વયે તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૨૫,૦૦૦/- પુરા અંકે રૂા. પચ્ચીસ હજાર પુરા દંડ અને આરોપી જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫(૨) અન્વયે પોકસો એકટની કલમ-૯(એલ) મુજબના શિક્ષાને પાત્ર ગુના અંગે કલમ-૧૦ અન્વયે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે. આમ આરોપીને ઉપરોકત તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. એટલે કે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો હુકમ અમદાવાદ શહેરના સ્પેશ્યલ જજ (પોક્સો) સિટી સેશન્સ જજ કોર્ટે નં.૧૦ ના જજ સાહેબ ચિન્મય જી મહેતા દ્વારા જાહેર અદાલતમાં વાંચી, સંભળાવી જાહેર કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!