ટંકારા નગર પાલિકાને સિટી તલાટી ન મળતાં અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ તો 2 નંબર વારસાઈ આંબો હક્ક કમી સહિતના પૈસા ભરવાના કામ પણ ટલ્લે ચડ્યા છે. ધારાસભ્ય દ્વારા સુચના આપવામાં આવી હતી છતાં અધિકારીએ કર્મચારીની ફાળવણી ન કરતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહયા છે…
મળતી માહિતી અનુસાર, ટંકારા નગર પાલિકા કાર્યરત થઈ ગયા બાદ પંચાયત હસ્તકના કર્મચારીઓને છુટા કરી દિધા જેને મહિના વિત્યા બાદ પણ મોરબી જિલ્લા કલેકટર દ્વારા શહેરના સિટી તલાટી મંત્રીનો ઓડર ન કરતા અરજદારોના અગત્યના કામકાજ થપ્પ થઈ ગયા છે. પંચાયત બોડીની આંતરિક લડાઈ વખતે અરજીના પહાડ લાગ્યા હતા જે પાલિકા કાર્યરત થઈ છતા પણ સિટી તલાટીની જગ્યા ન ભરતા અગત્યના કામકાજ અટકી ગયા છે. જે અંગે ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયાએ પણ તાકીદે સ્ટાફ નિમણૂંક માટે સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી એ અંગે કોઇ કાર્યવાહી ન થતા વહીવટી તંત્રની આળસ કે પછી અન્ય કોઈ કારણ ? ની અનેક વાતુ વહેતી થઈ છે. પરતું લોકહિત માટે આ અંગે તાકીદે સ્ટાફ નિમણૂક કરવા લોક માંગણી ઉઠી રહી છે….