અગાઉ મિત્રએ માર માર્યો હોય તે અંગેનો કેસ પાછો ખેંચી લેવા સરપંચ દ્વારા રૂબરૂ તથા ફોન ઉપર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી.
ટંકારાના ઓટાળા ગામમાં સરપંચ તરીકે સેવા આપતા સુરેશભાઈ પરમારને ગામના એક શખ્સ દ્વારા અપશબ્દો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે સરપંચ દ્વારા ટંકારા પોલીસ મથકમાં ઉપરોક્ત શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ઉપરોક્ત આરોપીએ સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કુટુંબી ભાઈને જમીનના રસ્તા બાબતે વાછકપરના માથાભારે શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હોય જે કેસ પાછો ખેંચી લેવા અંગે સરપંચ દ્વારા આરોપીને અને તેના મિત્રને રૂબરૂ તથા ફોન ઉપર ટાંટિયા ભાંગી નાખવાની, જાનથી મારી નાખવાની અને એટ્રોસિટીના કેસમાં ફિટ કરી દેવા અંગેની ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચ અને બાંધકામના કોન્ટ્રાક્ટર એવા સુરેશભાઈ નથુભાઈ પરમાર ઉવ.૩૫ એ આરોપી અલ્પેશભાઈ ગોરધનભાઇ ઘોડાસરા રહે.ઓટાળા ગામવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે અગાઉ ઓટાળા ગામની સીમમા ઓટાળા ગામના નિકુલભાઇ નરભેરામભાઇ તથા વાછકપર ગામના રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયાને જમીનના રસ્તા બાબતે ઝગડો થયેલો હોય જે ઝઘડામાં રોહિતભાઈ દ્વારા નિકુલભાઈને બેફામ માર મારવામાં આવતા ટંકારા પોલીસ મથકમાં સરપંચ સુરેશભાઈના મિત્ર રોહિતભાઈ ફાંગલીયા વિરુદ્ધ નિકુલભાઈએ કેસ કરેલ હોય અને જેમા નિકુલભાઇ આરોપી અલ્પેશભાઈના કુટુંબી ભાઇ હોય જેથી ગત તા. ૩૧ જુલાઈના રોજ ફરીયાદી સુરેશભાઈ પરમાર આરોપી અલ્પેશભાઈને સમાધાન બાબતે સરપંચ તરીકે સમજાવવા જતા તેને સારુ નહી લાગતા સુરેશભાઈને જાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. હાલ ટંકારા પોલીસે આરોપી અલ્પેશભાઈ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.