મોરબીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તારાજી સર્જાઈ હતી. જેના કારણે અનેક નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. જો કે, હાલ વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં અનેક નદીઓ હજુ પણ ગાંડીતૂર છે. ત્યારે વાંકાનેરના જાલશીકા ગામની બાજુમાં આવેલા કોઝવેમાં એક યુવકનો ગરકાવ થયો હતો. જે યુવકનો મૃતદેહ ૨૪ કલાક બાદ મળી આવ્યો છે.
વાંકાનેરના જાલશીકા ગામની બાજુમાં આવેલા કોઝવેમાં પસાર થતા દરમિયાન ડાંગર ભાવેશભાઈ રાવતભાઇ નામનો યુવક ગઈકાલે ડૂબી ગયો હતો. જે અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ તથા તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ભારે શોધખોળ બાદ આજરોજ યુવકનો મૃતદેહ પ્રાપ્ત થયેલ છે. જેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કામગીરીમાં મોરબી, વાંકાનેર, હળવદ તેમજ રાજકોટની રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી હતી.