Saturday, January 4, 2025
HomeGujaratમોરબીમાં પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ;૨૨ સપ્ટેમ્બર સુધી ૫૦ સ્ટોલમાં ૧૦૦ બહેનો મેળવશે...

મોરબીમાં પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ;૨૨ સપ્ટેમ્બર સુધી ૫૦ સ્ટોલમાં ૧૦૦ બહેનો મેળવશે રોજગારી

મહિલાઓના આર્થિક ઉપાર્જન અર્થે આયોજીત આ મેળાનો લાભ લઈ મહિલાઓને પ્રોત્સાહિત કરીએ

- Advertisement -
- Advertisement -

જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના વરદ હસ્તે કલા, રોજગારી અને વ્યવસાય એમ ત્રિવેણી સંગમ સમા પ્રાદેશિક સરસ મેળો ખુલ્લો મુકાયો

મોરબીમાં નારી શક્તિને પગભર કરવાના હેતુથી મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને મોરબીમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૩ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન સ્કાય મોલ પાસે રત્નકલા ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાદેશિક સરસ મેળાના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખના વરદ હસ્તે રીબીન કાપી અને દીપ પ્રાગટ્ય કરી આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્થાન માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જે યોજનાઓ પૈકી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે આ સખી મંડળની યોજના સવિશેષ છે. જન ધન યોજના હેઠળ મહિલાઓના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા અને આજે મહિલાઓ સહિત તમામ લોકોને સરકારની યોજનાઓની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે. સરકારના સહકાર થકી આજે મહિલાઓ નાણાકીય રીતે પગભર બની છે અને ચાર દીવાલમાંથી બહાર નીકળી તેમણે ઉંચી ઉડાન ભરી છે.

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ મહિલાઓને પગભર કરવા માટે સતત ચિંતિત છે. સખી મંડળ આજ એક ક્રાંતિકારી યોજના બની ગઈ છે જે અનેક મહિલાઓને રોજગારી પુરી પાડવામાં મહત્વનું પરિબળ સાબિત થઈ રહી છે. આજે સખી મંડળો થકી અનેક જરૂરિયાતમંદ બહેનો રોજગારી મેળવી પરિવારને આર્થિક રીતે સહાયરૂપ બની રહી છે. વધુમાં તેમણે સમગ્ર મોરબીવાસીઓને એકવાર આ મેળાની અવશ્ય મુલાકાત લઇ ખરીદી કરવા અનુરોધ કર્યો હતો.

સ્વાગત પ્રવચનમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ બહેનો પોતાને પગભર બનાવી પોતાના પરિવારને પણ આત્મનિર્ભર બનાવી રહી છે. મહિલાઓને આર્થિક રીતે પરાવલંબી ન બની રહે તે માટે સરકાર દ્વારા સવિશેષ નીતિ નિર્ધારણ કરવામાં આવ્યું જેના પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ. મહિલાઓ પુરુષ સમોવડી બની આપણા પરંપરાગત વ્યવસાયોમાં ખબે ખભા મિલાવી આગળ વધે તે માટે સરકાર અનેક અભિગમ અમલમાં લાવી રહી છે. કાર્યક્રમની આભારવિધિ દિનેશભાઈ વડસોલાએ કરી હતી.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, સામાજિક તથા રાજકીય આગેવાનો, જીલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તથા સખી મંડળીની બહેનો અને મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીવાસીઓને આ મેળાનો વધુ ને વધુ લાભ લઈ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!