Saturday, January 4, 2025
HomeGujaratમોરબીમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત વિવિધ આયોજનો...

મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ આયોજનો કરાશે

મોરબી:૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓક્ટોબરની ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જીલ્લામાં પણ જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના નેતૃત્વ અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડીયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતા લક્ષિત એકમો તથા સફાઈ મિત્ર સુરક્ષા શિબિર સહિતના આયોજનો સવિશેષ કરવામાં આવનાર છે. ઉપરાંત સ્વચ્છતા માટે જાહેર જનતાની ભાગીદારી, સ્વચ્છતા અંગે જાગૃતિ સહિતના આયોજન ઉપરાંત બ્લેક સ્પોટ નિશ્ચિત કરી તેને દૂર કરવાની કામગીરી અને મેગા ક્લિનિંગ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવનાર છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ થીમ આધારિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેની વિગતે વાત કરીએ તો ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈની થીમ અંતર્ગત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા/ટેક્સી/સાયકલ સ્ટેન્ડ તેમજ રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રના ધોરીમાર્ગો, રીંગ રોડ સહિતની સફાઈ હાથ ધરવામાં આવશે. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈની થીમ અન્વયે ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, બાગ/બગીચા, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક/રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય સહિતના સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે

૩૦ સપ્ટેમ્બર થી ૬ ઓક્ટોબર દરમિયાન વોટરબોડીઝ/નાળાની સફાઈની થીમ અંતર્ગત નદી, તળાવ, સરોવર સમુદ્ર કિનારા, વરસાદી પાણીના નાળા, ચેક પોઇન્ટ સહિતની સફાઈ હાથ ધરવામાં આવશે. ૭ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાન સર્કલ/પ્રતિમાઓની સફાઈની થીમ હેઠળ વિવિધ સર્કલ, ચાર રસ્તાઓ અને પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ અને બેકલેનની સફાઈ હાથ ધરવામાં આવશે. ૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈની થીમ હેઠળ વાણિજ્ય વિસ્તાર તમામ માર્કેટ, એપીએમસી, શાકમાર્કેટ અને ફુડ માર્કેટની સફાઈ હાથ ધરવામાં આવશે. ૨૧ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન સરકારી કચેરીઓ/સંસ્થાઓની સફાઈની થીમ હેઠળ તમામ સરકારી કચેરીઓમાં સફાઈ, રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી, શાળા, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓની સફાઈ, હોસ્પિટલ, ખાનગી તથા સરકારી દવાખાના, પીએસસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટરની સફાઈ હાથ ધરવામાં આવશે. ૨૮ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન આઉટ ગ્રોથ વિસ્તારની સફાઈની થીમ હેઠળ તમામ એન્ટ્રી પોઇન્ટથી એપ્રોચ વિસ્તારમાં, શહેરના તમામ ફૂટપાથ, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સાઈડ અને આસપાસના વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છતા વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાયકલોન/મેરેથોન/સ્વચ્છતા શપથ, વોલ પેઇન્ટિંગ, સેલ્ફી પોઇન્ટ અને હ્યુમન ચેઈન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ મા કે નામ/વૃક્ષારોપણ ઝુંબેશ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ તથા એવોર્ડ અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવનાર છે.

સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અન્વયે સફાઈ કર્મીઓ માટે મફત આરોગ્ય ચકાસણી કેમ્પ, સફાઈ કર્મીઓને સુરક્ષાલક્ષી ઉપકરણો એનાયત કરવા, સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવા, સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને આપણા આરોગ્ય તથા તંદુરસ્ત જીવનશૈલી માટે ખૂબ જરૂરી છે જેથી સ્વચ્છતા એક સારી ટેવ બની આપણા જીવન સાથે વણાઈ જાય તે માટે દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તો આ સ્વચ્છતા હી સેવા અભિયાન સાર્થક બને. જેથી મોરબી જીલ્લાવાસીઓને આ અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતા ઝુંબેશને જન અભિયાનનું સ્વરૂપ આપી સ્વચ્છતા માટે કટિબદ્ધ બનવા અને શ્રમદાન કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!