ટંકારામાં અગાઉ કૌંટુંબીક ભાઈ દ્વારા ગામમાં જ રહેતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેનું મનદુઃખ રાખી બાઇક સવાર પ્રૌઢને મારી નાખવાના ઇરાદે પાછળથી બ્રેઝા કાર અથડાવી રોડ ઉપર પાડી દઈ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પ્રૌઢને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઇજાગ્રસ્ત પ્રૌઢ દ્વારા બ્રેઝા કાર ચાલક તથા અન્ય એક અજાણ્યા ઈસમ સહિત બે આરોપીઓ સને ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના ડેરીનાકા કન્યા શાળા પાછળ રહેતા રાણાભાઈ સંગ્રામભાઈ ટોળીયા ઉવ.૬૦ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી હકાભાઈ મશરૂભાઈ ઝાપડા તથા અન્ય એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૨૬/૦૯ના રોજ રાત્રીના ફરિયાદી રાણાભાઈ પોતાનું બાઇક રજી.નં. જીજે-જીજે-૩૬-એચ-૫૬૩૫ લઈને ટંકારાથી લતીપર ચોકડી જતા હોય ત્યારે અગાઉ તા.૨૫ માર્ચના રોજ રાણાભાઈના કૌંટુંબીક ભાઈ નાગજીભાઈએ ઉપરોક્ત આરોપી હકાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોય જે બાબતે ફરિયાદી રાણાભાઈ તેમની સાથે હોય જેનું મનદુઃખ રાખી મોત નિપજાવવાના ઇરાદે હકાભાઈએ પોતાના હવાલાવાળી બ્રેઝા કાર રજી.નં. બીઆર-૦૧-ઈએ-૪૬૮૨ પુરઝડપે ચલાવી રાણાભાઈના બાઇકને પાછળથી જોરદાર ઠોકર મારી તેમને રોડ ઉપર પાડી દીધા હતા જે બાદ રોડ ઉપર પડી ગયેલા રાણાભાઈને કચડી નાખવાના ઇરાદે બીજી વખત તેના ઉપર કાર ચડવાનો પ્રયાસ કરતા રાણાભાઈ દૂર ખસી જતા વાસાના ભાગે કારની ઠોકર લાગી હતી. ત્યારબાદ રોડ ઉપર રાણાભાઈના ભત્રીજા તથા ભાઈ આવી જતા આરોપી હકાભાઈ તેમજ કારમાં સાથે બેઠેલ અજાણ્યો ઈસમ એમ બંને બ્રેઝા કારમાં નાસી ગયા હતા.
ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં રાણાભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને હાથ, પગ, વાસામાં તેમજ આંખ પાસે છોલ છાલ જેવી ઇજા તેમજ માથાના ભાગે મૂંઢ ઇજાનું ડોક્ટરે જણાવી સારવાર શરૂ કરી હતી. જે બાદ ટંકારા પોલીસે રાણાભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.