આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા ત્રિપલ સવાર બાઇક સ્લીપ થતા સર્જાયો અકસ્માત,અજાણ્યો ટ્રક ચાલક વાહન લઈ નાસી ગયો
માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર હરીપર રેલ્વે બ્રિજ ઉપર બનેલા અકસ્માતના બનાવમાં હળવદ રહેતા ત્રણ યુવક બાઇક ઉપર કચ્છથી પરત હળવદ જઈ રહ્યા હોય ત્યારે હાઇવે રોડ ઉપર બાઇકની આગળ જતા ટ્રકના ચાલકે પોતાના ટ્રકની અચાનક બ્રેક મારી હતી જેથી બાઇક ચાલક યુવકે બાઇકની જોરદાર બ્રેક મારતા બાઇક રોડ ઉપર સ્લીપ થઈ ગયું જેથી ત્રણેય યુવકો રોડ ઉપર પડી ગયા હતા. જે પૈકી બાઇક ચાલક યુવકના પગ બાઇકમાં દબાઈ જતા તે રોડની વચ્ચો-વચ્ચે હોય તે દરમિયાન પાછળ આવતા ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ગતિએ ચલાવી રોડ વચ્ચે પડેલ યુવકના માથા ઉપર ફેરવી દઈ પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો. જ્યારે અન્ય બે યુવકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ બાબતે અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદ ભવાની ઢોરો લાંબી ડેરી પાસે રહેતા વિક્રમભાઈ પોપટભાઈ લુહારી ઉવ.૨૨ એ માળીયા(મી) પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૩૦/૦૯ના રોજ વિક્રમભાઈ તથા તેના કુટુંબી ભાઈ બાબુભાઇ તથા રામાભાઈ એમ ત્રણેય મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૫૦૭૮ કચ્છના ચિત્રોડથી હળવદ જતા હોય તે દરમિયાન માળીયા(મી) નજીક હરીપર રેલ્વે બ્રિજ ઉપર આગળ જતાં ટ્રકે બ્રેક મારતા મોટર સાયકલ તેની સાથે ન ભટકાય તે માટે બાઇક ચાલક બાબુભાઈએ પોતાના બાઇકની જોરદાર બ્રેક મારી હતી. ત્યારે બાઇક રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું. જેથી બાઇક ચાલક બાબુભાઇ અને ફરિયાદી વિક્રમભાઈ રોડની વચ્ચે પડ્યા અને રામાભાઈ રોડની સાઈડમાં પડ્યા હતા, ત્યારે વિક્રમભાઈ ઝડપથી ઉભા થઇ રોડની સાઈડમાં દોટ લગાવી ભાગી ગયા હતા જ્યારે બાબુભાઇ બંને પગ બાઇક નીચે દબાઈ ગયા હતા ત્યારે પાછળથી આવતા અજાણ્યા ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી રોડની વચ્ચે પડી ગયેલા બાબુભાઈના માથા ઉપર ટ્રકનું ટાયર ફેરવી દઈ પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. જે અકસ્માતના બનાવમાં બાબુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ઉપરોક્ત ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.