વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણી દ્વારા મોરબી કલેક્ટરને પત્ર લખી વાંકાનેર શહેરમાં નગરપાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા પર વેચાતા નોનવેજ બાબતે રજૂઆત કરી વેચાણ બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે. વાંકાનેરના મિલપ્લોટથી વિશીપરા તરફ જતા રોડ પર વાંકાનેર નગરપાલિકાની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી મંજૂરી વિના નોનવેજ વસ્તુઓનું વેચાણ થતું હોવાથી જે દબાણ દૂર કરી વેચાણ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
વાંકાનેર શહેરમા મીલ પ્લોટ થી વીશીપરા તરફ જતા રોડ પર વાંકાનેર નગરપાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈ પણ જાતની મંજુરી/લાઈસન્સ વગર નિયમ વિરુધ્ધ નોનવેજ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હોય જે રસ્તો જાહેર માર્ગ હોય અને નિયમ મુજબ શહેરી વિસ્તારમાં આ પ્રકારનુ વેચાણ કરી શકાતુ નથી. તેમજ આ દબાણ ધણા સમય થી કરવામાં આવેલ છે. હાલ સમસ્ત હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર નવરાત્રી પણ આવનાર છે. આવા સમયે આવી પ્રવૃતીથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વ્યાજબી ન ગણાય. અગાઉ પણ વાંકાનેર શહેરનાં પંચાસર રોડ પર આવેલ મહાદેવ સોસાયટી સામે પણ નોનવેજ વસ્તુઓનું વેંચાણ બાબતે જાણ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ હોય તેવુ જણાતુ નથી. જો ગીરસોમનાથ જીલ્લામાં કલેકટર ઘ્વારા ૧૦૦ એકર થી વધારે જમીનનું વર્ષો જુનુ દબાણ ડીમોલીશ કરી શકતા હોય તો આપની સત્તાની રૂએ વાંકાનેર શહેર મધ્યે ચાલતા આવા ગેરકાયદેસર નોનવેજનો વેપાર તેમજ કતલખાના બંધ કેમ ન કરી શકો ? તેમજ દરેક હિન્દુ તહેવાર સમયે આપના દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતુ હોય છે તો આ બાબતે કોઈ તાત્કાલીક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? ઉપરોકત સમગ્ર બાબતોને ધ્યાને લઈ ત્વરીત અસર થી કાર્યવાહી કરવા માટે ધારાસભ્ય જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.