મોરબીના રફાળેશ્વર ગામે પત્ની વિરુદ્ધ ફેસબુકમાં બીભત્સ સ્ટોરીની પોસ્ટ વાઇરલ કરનાર રફાળેશ્વર ગામના જ માથાભારે શખ્સને ફોન કરી આવી બીભત્સ સ્ટોરી કેમ મુકયાનું કહેતા એકદમ ઉશ્કેરાઈને સ્કોર્પિયો ગાડી લઈ આવી પતિ સહિતના ત્રણ ઈસમો ઉભા હોય તેને મારી નાખવાના ઇરાદે તેના ઉપર કાર ચડાવી દીધી હતી જો કે સદનસીબે ત્રણેય શખ્સો દૂર ખસી જતા કોઈ ઇજા ન થઈ હતી, ત્યારે આવી રીતે ઉપરા-છાપરી ત્રણ વખત કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર દ્વારા ચારેય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ સ્કોર્પિયો કાર ચાલક આરોપી તથા તેમના આરોપી મામા એમ બે આરોપીઓની અટક કરી લીધાનું સામે આવ્યું છે જ્યારે અન્ય બે આરોપીની અટક કરવા બાકીનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગર શેરી નં.૩ માં રહેતા મહેશભાઇ ઉર્ફે છોટુ ગુલાબભાઇ મુછડીયા ઉવ.૨૩ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા ઉવ.૨૬, મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઇ વાઘેલા બંને રહે.રફાળેશ્વર આંબેડકર હોલની બાજુમાં, નિખીલભાઇ ગૌતમભાઇ ચાવડા રહે.પ્રેમજીનગર ભીમરાવનગર, મુકેશભાઇ મંગાભાઈ જીલાભાઈ ઝાલા ઉવ.૩૫ રહે.રફાળેશ્વર મચ્છોનગરવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરિયાદી મહેશભાઈની પત્નિ તથા ઉપરોક્ત ચાર પૈકીનો આરોપી નિખીલને અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપી મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઈ વાઘેલાએ તેના ફેસબુક આઈ. ડી. પરથી મહેશભાઈને ઉદ્દેશીને અંગ્રેજીમાં તેમની પત્નિ બાબતે બિભત્સ ફેસબુક સ્ટોરી મુકી શેર કરેલ હોય જે બાબતે ફરિયાદી મહેશભાઈએ આરોપી મનોજને ‘મારી પત્ની વિશે આવી બીભત્સ સ્ટોરી કેમ મુકેલ છે?’ એમ ફોન કરી પૂછતાં આ બાબતે આરોપી મનોજને સારું નહીં લાગતા આરોપી પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા તેની નંબ૨ વગરની કાળા રંગની સ્કોર્પીઓ કારમાં આરોપી મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા તથા આરોપી નિખીલભાઇ ગૌતમભાઈ ચાવડા તથા પારસ ઉર્ફે સુલતાનના મામા મુકેશભાઇ ઝાલા એમ ચારેય આરોપીઓ સ્કોર્પિયો કારમાં રફાળેશ્વર ગામમાં સોલંકી પાન પાસે આવ્યા હતા. ત્યારે ફરિયાદી મહેશભાઈ પોતાના પિતરાઈ બે ભાઈઓ યતીશ તથા ભાવેશ સાથે સોલંકી પાન સામે ચોકમાં ઉભા હતા ત્યારે ત્રણેયને જાનથી મારી નાંખવાના ઇરાદે તેમની ઉપર સ્કોર્પીઓ કાર વડે ત્રણ વખત જીવલેણ હુમલો કરી ભુંડા બોલી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ચારેય આરોપીઓ ત્યાંથી સ્કોર્પિયો કાર લઈને ભાગી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે નંબર વગરની સ્કોર્પિયો કાર ચાલક પારસ ઉર્ફે સુલતાન તથા તેમના મામા મુકેશ મંગાભાઈને દબોચી લીધા છે. જ્યારે ફેસબૂક ઉપર બીભત્સ સ્ટોરી વાઇરલ કરનાર મનોજ ઉર્ફે બાબો તથા અન્ય આરોપી નિખિલ એમ બંને આરોપીઓને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.