મોરબીના વજેપર વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા મૂળ એમપી રાજ્યના યુવક ઉપર મુરઘી લેવા ન આવેલ જેવી સામાન્ય બાબતે મુરઘી વેચવાની દુકાન ધરાવતા ધંધાર્થી દ્વારા રાત્રીના યુવકના ઘરે જઈ ગાળો આપી ઝઘડો કરી પેટના ભાગે છરીનો ઘા મારી દેવામાં આવ્યો હતો. ત્યારે હત્યાનો પ્રયાસ કરી સ્થળ ઉપરથી નાસી ગયેલ બે ઈસમો સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની પત્ની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીમાં વધુ એક છરી હુલાવી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વજેપર મેઈન રોડ ઉપર બાબુભાઇ કોળીના મકાનમાં ભાડે રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના સંતોષબેન સંજયભાઈ કૈલાસભાઈ ચૌહાણના પતિ સંજયભાઈ હાલ મોરબીમાં કડીયા કામની છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે સંતોષબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂંઘરૂં ભીમજીભાઈ રહે. મોરબી વજેપર તથા આરોપી હાર્દિક ઉર્ફે પેમલો દીપકભાઈ ઓડ રહે.કાલિકા પ્લોટવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૩/૧૦ના રોજ રાત્રીના ઉપરોક્ત બંને આરોપીઓ સંતોષબેનના ઘર પાસે આવી બુમો પડી બેફામ ગાળો બોલતા હોય જેથી સંતોષબેન અને તેમના પતિ સંજયભાઈ ઘર બહાર આવતા આરોપી જીગલો ઉર્ફે ઘૂંઘરૂં કે જેને વજેપર વિસ્તારમાં મુરઘી વેચવાની દુકાન હોય તે અને હાર્દિક બંને સંતોષબેનના પતિને જેમફાવે તેમ ગાળો આપી કહેવા લાગ્યા કે આજે મારી દુકાને મુરઘી લેવા કેમ ન આવ્યો તેમ કહી અપશબ્દો બોલતો હોય ત્યારે સંજયભાઈએ અપશબ્દો આપવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ હાર્દિક ઉર્ફે પેમલાએ સંજયભાઈને પકડી રાખી જીગલો ઉર્ફે ઘૂંઘરૂં એ પેન્ટના નેફામાંથી છરી કાઢી સંજયભાઇ પેટમાં છરીનો એક ઘા મારી દેતા સંતોષબેને બુમાબુમ કરતા આજુબાજુ પાડોશી ભેગા થઈ જતા બંને આરોપી સ્થળ ઉપરથી નાસી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ સંજયભાઈનો ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં આઇસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સંતોષબેન દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ઉપરોક્ત બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ સહિત ગુનો દાખલ કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.