ડિલેવરી કરનાર સિક્યુરિટી ગાર્ડ પકડાયો, મુખ્ય આરોપી ફરાર
મોરબીના ભક્તિનગર નજીક આવેલ બહુમાળી નીલકંઠ સ્કવેર શોપિંગ સેન્ટરની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે શનાળા એ ડિવિઝન પોલીસ ચોકીની ટીમ દ્વારા શોપિંગ સેન્ટરમાં શૈલેષભાઇ પુનાભાઈ વાળાની દુકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની બોટલનું દુકાન માલીકના ઓર્ડર મુજબના સ્થળ ઉપર પહોંચતી કરનાર એવા સિક્યુરિટી-મેનની વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે અટક કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી એવા દુકાન માલીક રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શનાળા પોલીસ ચોકી ટીમને બાતમી મળી કે ભક્તિનગર સર્કલ પાસે આવેલ નીલકંઠ સ્કવેર શોપિંગ સેન્ટરમાં શૈલેષ પુનાભાઈ વાળા પોતાની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે નીલકંઠ સ્કવેરની દુકાનમાં રેઇડ કરતા જ્યાં શોપિંગ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સરદારભાઈ નમનભાઈ નાનાભાઈ પરમાર ઉવ.૪૦ રહે.હાલ નીલકંઠ શોપિંગ સેન્ટરમાં મૂળ દાહોદ જીલ્લાના પીપેરાગામના વતનીને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે દુકાન માલીક આરોપી શૈલેષ પુનાભાઈ વાળા રહે.ભક્તિનગર સર્કલ મુરલીધર હોટલ પાછળવાળો સ્થળ ઉપર હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા સઘન પૂછપરછમાં આરોપી શૈલેષ પુનાભાઈ વાળા નીલકંઠ સ્કવેર શોપિંગ સેન્ટરમાં પોતાની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ઓર્ડર મુજબ સિક્યુરી ગાર્ડ આરોપી સરદારભાઈને જ્યાં કહેતા તે સ્થળે વિદેશી દારૂની બોટલની ડિલેવરી કરવા જતા હોવાની કબૂલાત આપી હતી.