મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ વાર્તાલાપ યોજી છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે ગુજરાતે કરેલ અભૂતપૂર્વ વિકાસ યાત્રાની વાત કરી હતી.
દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના પથ પર અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસનું મોડેલ બન્યું છે, ત્યારે કલેકટર એ મોરબીમાં મોરબી મીરરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભાસ્કર જોષી સાથે નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતો, મહિલાઓ, વંચિતો, યુવાઓ, વિદ્યાર્થીઓ તથા રમતવીર સહિત તમામ વર્ગના લોકો માટે લેવામાં આવેલા કલ્યાણકારી પગલાઓની વાત કરી હતી.
આ વાર્તાલાપ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં બનાવવામાં આવેલા અદ્યતન એરપોર્ટ, વીજળી સુવિધા, રેલવે અને વંદે ભારત રેલ્વે નેટવર્ક, સુવિધાસભર જાહેર પરિવહન, ગ્રામ્ય, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, અત્યાધુનિક બસ સ્ટેન્ડ ઉપરાંત વિશ્વમાં ભારતની લેવાતી નોંધ અને વિશ્વના દેશોમાં ભારતની મધ્યસ્થી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
કલેક્ટર એ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, હાલ આપણે ગુજરાત અને દેશમાં ૨૩ વર્ષમાં થયેલા વિકાસની ગાથાની ગર્વથી વાત કરી રહ્યાં છીએ ત્યારે આગામી ૨૩ વર્ષ બાદ એટલે કે ૨૦૪૭ માં ભારતને વિકસિત બનાવવાનું જે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે દેશ તે તરફ ખૂબ ગતિથી આગળ વધી રહ્યું છે.