મોરબી જીલ્લા સહિત રાજ્યમાં વરસાદને લીધે અતિવૃષ્ટિને ધ્યાને લઈ મોરબી જીલ્લાના ખેડુતોની પરિસ્થિતિ “પડયા ૫ર પાટું’ લાગ્યું હોય તેવી થઈ છે, જેમાં ખેડૂતોના ઉભા પાક અને સાથે જમીનનું પણ ધોવાણ થયું હોય તો આવી પરિસ્થિતિની હાલતમાં ખેડૂતોને તાત્કાલીક ધોરણે થયેલ નુકસાની અંગેનું વળતર ચુંકવવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે જીલ્લામાં અગાઉ અતિવૃષ્ટીના કારણે ખેડુતોના પાકને ૧૦૦% નુકશાની તથા જમીનોનું ધોવાણ થઈ ગયેલ હતું. જેના કારણે ખેડુતોને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ હતું. જેના “ઘા” હજુ રૂજાયા નથી ત્યાં મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં ૩ થી ૫ ઇંચ તાબડતોડ વરસાદ પડવાના કારણે ખેડુતોની ચોમાસુ સિઝન નુકશાનીમાં હોમાય ગયેલ છે. જેના કારણે ખેડુતોની પરિસ્થિતિ “પડયા ૫૨ પાટું” લાગ્યું હોય તેવી છે.
મોરબી જીલ્લામાં અતિવૃષ્ટી બાદ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. જેથી ખેડુતોની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ માનવતાની દ્રષ્ટીએ ખેડુતોને પાક નુકશાની તથા જમીન ધોવાણનું વળત૨ ચુકવવામાં આવે તો ખેડુતોને રાહત મળે તેમ છે. જેથી ઉપરોક્ત બાબતે ઘટિત કાર્યવાહી કરીને ખેડૂતોને તાત્કાલિક ધો૨ણે વળતર ચુંકવવા વિનંતી સાથે લેખિત રજુઆત કરી હતી.