લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન મોરબીના ઘુટુ ગામે બીનખેતી થયેલ પ્લોટમાં બાંધકામ કરવા માટે મંજૂરી લેવા જતા તલાટી કમ મંત્રી તથા ઘુટુ ગામના સરપંચના પતી બન્નેએ બાંધકામની મંજુરી આપવાની અવેજ પેટે માંગેલી રૂ.૫૦,૦૦૦/-ની લાંચ લેતા તલાટી કમ મંત્રી તથા સરપંચના પતીને એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડ્યા હતા.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે બીનખેતી થયેલ આશરે ૪ વિધાનાં પ્લોટની જગ્યામાં અરજદારને લાકડાની પ્લેટ બનાવવાનુ યુનિટ ઉભુ કરવાનુ હોવાથી આ જગ્યા ઉપર બાંધકામ કરવા માટે ઘુંટુ ગ્રામ પંચાયત પાસે મંજુરી મેળવવા માટે અરજદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈ તલાટી કમ મંત્રી વિમલભાઇ સુંદરજીભાઇ ચંદ્રોલા તથા ઘુટુ ગામના સરપંચના પતી દેવજીભાઇ હરખાભાઇ પરેચા બન્નેએ બાંધકામની મંજુરી આપવાની અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૫૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી તેણે મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ બન્ને આરોપીઓ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી વિમલભાઇ સુંદરજીભાઇ ચંદ્રોલાએ લાંચની રૂ.૫૦,૦૦૦/- રકમ સ્વીકારતા બન્ને આરોપીઓને એ.સી.બી. એ રંગે હાથ પકડી પાડ્યા હતા.