માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામમાં અસામાજિકતત્વો બેફામ બન્યા છે, કૂતરાને રોટલા નાખવા આવેલ બે વ્યક્તિને અહીં આવવું નહીં તેમ કહી માળીયા(મી)ગામના એક શખ્સ સહિત ચાર શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર મારી બંને વ્યક્તિઓને મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.
મળતી માહિતી મુજબ માળીયા(મી)તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા પ્રવિણભાઇ ઉર્ફે મુન્નાભાઈ બચુભાઇ જોષી ઉવ.૫૦ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ફારૂકભાઇ દિલાવરભાઇ રહે.માળીયા(મી) તથા અજાણ્યા ત્રણ ઇસમો સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૨/૧૦ ના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ફરિયાદી પ્રવીણભાઈ તથા તેમના મિત્ર મેરામભાઈ બંને નવલખી રોડ ઉપર મોટા દહીંસરાની ફાટક પાસે કૂતરાને રોટલા નાખતા હોય ત્યારે ત્યાં આરોપી ફારૂકભાઇ દિલાવરભાઇ તથા તેના ત્રણ મિત્રો આવી પ્રવિણભાઈને ‘તમે અહી શુ કરો છો? અહીયા આવવુ નહી’ તેમ કહી ગાળો આપી આરોપી ફારૂકભાઇ સહિતના ચારેય આરોપીઓએ લાકડાના ધોકા વડે પ્રવીણભાઈ તથા મેરામભાઈને શરીરે પેટના ભાગે વાસાના ભાગે તથા પગમા લાકડાના ધોકા વડે માર મારી મુઢ ઇજા કરી ગુનાહિત પ્રવૃત્તિમાં એકબીજાને મદદગારી કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે, હાલ માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.