મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના સિલ્વર જયુબિલી ૨૫ વર્ષ નિમિતેની ઉજવણીના ભાગરૂપે સંસ્થા દ્વારા મોરબી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય વિશાલ વાહન-રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન છેલ્લા ૨૫ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે. આ સંસ્થાની સિલ્વર જયુબિલી આ વર્ષે ઉજવાઇ રહી છે. જેના ભાગરૂપે મોરબી નગરના રાજમાર્ગો પર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી દ્વારા વિશાળ વાહન-રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગના અત્યાર સુધીના થીમ સોંગ જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તે ડી.જે. દ્વારા વગાડવામાં આવ્યા.
વધુમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સિલ્વર જ્યુબિલી કાર્યક્રમ અનુસંધાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફનું સ્નેહમિલન તેમજ સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેની જન-જાગૃતિ અને આમંત્રણ એ આ રેલીનો હેતુ હતો. આ વિશાળ ભવ્ય વાહન-રેલીમાં શાળાના બાળકો, શિક્ષકો, ટ્રસ્ટ પરિવારના સદસ્યો બધા આ રેલીમાં જોડાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાસાહેબે મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપેલ હતા.