મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે અસામાજિક અને લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, જેમાં સતત ગુનાખોરીનો આંક વધતો જાય છે, શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં હત્યા, દારૂ, જુગાર, લૂંટ તથા મારામારીના બનાવોમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે, જેમાં વધુ એક કિસ્સામાં મોરબીના ભરતનગર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની કેન્ટીનમાં ઉધાર લીધેલ વસ્તુનું ચારેક માસથી ચુકવણું ન કરતા ઇસમને કેન્ટીન-ધારક વૃદ્ધે ઉધારી ચૂકવવા કહેતા ઉશ્કેરાઈ ગયેલ ઇસમે વૃદ્ધને મારી નાખવાના ઇરાદે છરીના આડેધડ ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્રની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ખોખરા હનુમાનજી મંદિર રોડ ઉપર સોમાણી મેક્સ કારખાનાની કેન્ટીનમાં આરોપી આશુતોષ હર્ષદભાઈ વઘાડીયા ઉવ.૨૩ રહે. હાલ વાવડી રોડ રાધાપાર્ક મૂળ માળીયા(મી)ના દેરાળા ગામવાળાએ ઉપરોક્ત કારખાનાની કેન્ટીનમાં રૂ.૪,૨૦૦/-ની ઉધાર વસ્તુ લીધી હોય જેનું ચુકવણું છેલ્લા ચાર માસથી કર્યું ન હોય ત્યારે કેન્ટીન ધારક કાંતિલાલ શેરશીયા દ્વારા આરોપી આશુતોષને ઉધાર ચૂકવવા વારંવાર કહેતા હોવા છતાં ઉધાર ચૂકતે ન કરતો હોય ત્યારે ગત તા.૩૧/૧૦ ના રોજ બપોરના અરસામાં આરોપી આશુતોષ ઉપરોજત કેન્ટીને આવતા કાંતિલાલે ફરી ઉધારી અંગે ચુકવણું કરવા કહેતા જે બાબતે આરોપી એકદમ ઉશ્કેરાઈ છરી વડે પેટ, છાતીના ભાગે મારી નાખવાના ઇરાદે ઘા મારી તેમજ હાથમાં અને પોચામાં પણ છરી વડે ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે ઇજાગ્રસ્ત કાંતિલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ભોગ બનનારના પુત્ર મયુરભાઈ કાંતિલાલ શેરસીયા દ્વારા તાલુકા પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત આરોપી આશુતોષની અટકાયત કરી લેવામાં આવી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.