રાપર(કચ્છ)કુળદેવીના દર્શન કરી પરત ફરતી વેળા એક્સ.યુ.વી. કારે પાછળથી ટક્કર મારતા એક વર્ષની બાળકી સહિત ત્રણ થયા ઇજાગ્રસ્ત
માળીયા(મી) તાલુકાના હરીપર ગામ નજીક માર્ગ અકસ્માતના બનાવમાં માહિન્દ્રા એક્સ.યુ.વી કારના ચાલકે પોતાની કાર બેફામ સ્પીડમાં ચલાવી આગળ જઈ રહેલ વેગનઆર કારને જોરદાર ટક્કર મારતા વેગનઆરમાં પાછળની સીટમાં બેસેલ બે મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા, તેમજ વેગનઆર કારમાં નુકસાની થઈ હતી, એક્સ.યુ.વી. કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે અકસ્માત થયા બાદ થોડીવાર જેટલા સમયમાં એક્સ.યુ.વી. કારમાં ધુમાડા બાદ આપમેળે સળગી ઉઠી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ રૈયાધાર સિલ્વર સીટી એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ હર્ષદભાઈ ગોરસીયા ઉવ.૩૪ ગત તા.૦૪/૧૧ ના રોજ પત્ની અને ૧ વર્ષની બાળકી તથા તેમના કાકી સહિત પરિવાર સાથે વેગનઆર કાર રજી.નં. જીજે-૦૩-એચકે-૨૫૧૨ લઈને રાજકોટ થી રાપર(કચ્છ) કુળદેવી માતાજીના દર્શને ગયા હતા. જ્યાંથી કબરાઉ મોગલધામ દર્શન કરી સાંજના સુમારે પરત રાજકોટ જતા હતા ત્યારે માળીયા(મી)તાલુકાના હરીપર ગામ નજીક પાછળ આવતી મહિન્દ્રા એક્સ.યુ.વી. કાર રજી.નં. જીજે-૦૧-ડબલ્યુએસ-૩૫૨૮ ના ચાલકે પોતાની એક્સ.યુ.વી કાર બેફિકરાઈથી તથા પુરઝડપે ચલાવી આગળ જઈ રહેલ વેગનઆર કારની પાછળ જોરદાર અથડાવી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
ઉપરોક્ત અકસ્માતમાં વેગનઆર કારની પાછળની સીટમાં બેસેલ ધર્મેશભાઈના પત્ની, બાળકી અને કાકીને ઇજાઓ પહોંચી હતી, જેમાં ધર્મેશભાઈના કાકી જયશ્રીબેનને મણકા ના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી તેમજ વેગનઆર કારમાં નુકસાની થઈ હતી, ત્યારે સમગ્ર અકસ્માત મામલે ધર્મેશભાઈએ માળીયા(મી) પોલીસ મથકમાં ઉપરોક્ત મહિન્દ્રા એક્સ.યુ.વી. કાર-ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.