આસ્થા નામની એપ્લિકેશનમાં આઇપીઓ લાગેલની વાત કરી વિવિધ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી સાયબર ગુન્હાહિત કાવતરું રચાયું
મોરબીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વધુ એક શેરબજારમાં રોકાણ કરવી છેતરપિંડી વિશ્વાસઘાત અંગેની ફરિયાદમાં કન્સલ્ટીંગના ધંધાર્થી આધેડને વોટ્સએપ મારફત લીંક મોકલી અલગ અલગ કંપનીના આઇપીઓમાં રોકાણની ટિપ્સ આપી વધુ નફાની લાલચ આપી ૫૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે. ત્યારે ભોગ બનનાર દ્વારા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોતાની સાથે થયેલ સાયબર ક્રાઇમ કાવતરા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ૭ મોબાઇલ-ધારકો તથા ૬ બેંક ખાતા-ધારકો વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના છાત્રાલય રોડ ઉપર શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ભરતભાઇ ગોરધનભાઇ પાંચોટીયા ઉવ.૪૩ એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી તરીકે ૭ મોબાઇલ-ધારકો અને ૬ બેંક ખાતા-ધારકો સામે ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૪/૦૬ થી ૦૩/૦૭ દરમિયાન આરોપીઓએ વોટસએપ નંબર ૮૪૫૭૮૪૪૫૨૧ તથા ૮૪૫૬૮૭૬૨૮૫ પરથી ahthadown.asthadownload.com/down નામની લીંક મોકલેલ હતી અને આ બન્ને વોટ્સએપ નંબરની પ્રોફાઇલ ચેક કરતા તેઓનુ નામ પ્રિયંકા કુમારી તથા શૈાર્યમ ગુપ્તા જાણવા મળ્યું હતું બાદ આ બંન્ને વોટસએપ નંબર પરથી ભરતભાઈને શેરબજારમા રોકાણ અંગેની ટીપ્સ આવતી હોય જે બાદ શેરબજારમા રોકાણ કરવા સારૂ “Astha‘’ નામની એપ્લિકેશન મારફત જુદી-જુદી કંપનીના નવા I.P.O. શેરમાં અલગ અલગ ૬ જેટલા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી અને આ આઇપીઓ ફરિયાદી ભરતભાઈને લાગેલ હોવાની વાત કરવામાં આવી ભરતભાઈને સાયબર ક્રાઇમનો શિકાર બનાવવામાં આવ્યા હતા, જે બાદ ભરતભાઈએ રોકાણ કરેલ અને લાગેલા આઇપીઓના રૂપીયા પરત લેવા માટે ભરતભાઈએ મેસેજ કરેલ તો આ આરોપીઓએ તેમનું એપ્લીકેશન લોગીંન આઇ.ડી. લોક કરી દીધેલ બાદ વોટસએપ ગૃપમાંથી એકઝીટ કરી દીધેલ જેથી સમગ્ર કાવતરા અંગે ભરતભાઈને જાણ થઈ હતી. આમ ગુન્હાહીત કાવતરૂ રચી ભરતભાઈને શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી તેમનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને કુલ રૂપિયા ૫૦ લાખ જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ભરેલ નાણા આજદીન સુધી ભરતભાઈને પરત નહી આપી તેમની સાથે ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત મોબાઇલ-ધારકો અને બેન ખાતા-ધારકો તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.