પોલીસને જોઈ બાઇક સવાર બંને આરોપીઓ બાઇક અને દારૂ મૂકી નાસી ગયા
હળવદ પોલીસ ટીમ પૂર્વ બાતમીને આધારે મોરબી ચોકડી નજીક વોચમાં હોય તે દરમિયાન બાઇક ઉપર વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ બે ઈસમો દૂરથી પોલીસને જોઈ પોતાનું બાઇક રેઢું મૂકીને નાસી ગયા હતા, ત્યારે પોલીસે બાઇક અને વિદેશી દારૂ કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ બંને આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હળવદ પોલીસ મથક ટીમ દારૂ/જુગાર અંગે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે હળવદ તાલુકાના રાયસંગપર ગામના નરેન્દ્ર ઉર્ફે નંદો દલવાડી અને કમલેશ ઉર્ફે ધવલ ચાવડા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી અન્વયે મોરબી ચોકડી કેનાલ રોડ ઉપરથી પસાર થવાના હોય જેથી તુરંત હળવદ પોલીસ ટીમ ઉપરોક્ત સ્થળે વોચમાં હોય તે દરમિયાન સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-એએ-૧૬૮૩ બાઇક આવતા બાઇક સવાર બંને આરોપીઓ દૂરથી પોલીસ ટીમને જોઈ લેતા બાઇક રેઢું મૂકીને રોડ સાઈડમાં આવેલ બાવળની કાંટમાં નાસી ગયા હતા.
જેથી પોલીસ ટીમે બાઇક ઉપર રહેલ પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની કુલ ૮ બોટલ કિ.રૂ.૩,૭૨૦/- નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે ફરાર આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી અને કમલેશભાઈ ઉર્ફે ધવલ ઘનશ્યામભાઈ ચાવડા રહે. બંને રાયસંગપર તા.હળવદવાળા સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે, હાલ પોલીસે વિદેશી દારૂ તથા બાઇક સહિત કિ.રૂ. ૩૮,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.