માળિયા મિયાણાના ખાખરેચી ગામે વીજ લાઈન નાખવાના કામ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખાનગી વીજ કંપની દ્વારા ખેતરમાં વીજ લાઈન નાખતા મામલો ગરમાયો છે. પહેલા ખેડૂતોને યોગ્ય ભાવનું કહી બાદમાં અધિકારીઓએ પાણીચું આપી કંપનીએ શરતોનું ઉલ્લંઘન કરીને પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરીથી વીજ કામ શરૂ કરી દીધું છે. જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે તેમજ જો કામ રોકવામાં નહિ આવે તો આવતીકાલથી આંદોલનની પણ ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણાના ખાખરેચી ગામ ખાતે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. અનેક ગામોમાં ભૂતકાળમાં તેની સામે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ મામલો છેક ઉપરી કક્ષા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હવે ફરી આ મામલો બિચક્યો છે. ખાખરેચી ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીએ પોલ અને વીજ વાયરનો અગાઉ જે ભાવ નક્કી કર્યો હતો. તેની શરતો લેખિતમાં પણ આપવામાં આવી હતી. હવે કંપની શરતોનું ઉલ્લંઘન કરી જંત્રી પ્રમાણે ભાવ નક્કી કરવાનું કહી રહી છે. તેમજ કંપનીના લોકોએ પોલીસ પ્રોટેક્શન સાથે આવી બળજબરીથી ખાખરેચી ગામના ત્રણેક ખેડૂતોની જમીનમાં કામ શરૂ કરી દીધું છે. જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોને અગાઉ યોગ્ય ભાવનું કહી પાણીચું પકડાવી દેતા મામલો ગરમાયો છે. તેમજ હાજર વિજ લાઈન કર્મચારીઓએ મીડિયાને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે કામ રોકવામાં નહીં આવે તો આવતીકાલે આજુબાજુના ગામના સરપંચો તેમજ 200થી વધુ ખેડૂતો ખાખરેચી ગામે એકત્ર થઈ કંપની સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.