હળવદ: મોરબી-હળવદ હાઇવે ઉપર કડીયાણા ગામ નજીક ગોળાઈમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અર્ટિગા કાર ચાલકે રોડ ઉપરની ગોળાઈમાં વળાંક નહીં લેતા પુરઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેને લઈ કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર હળવદથી મોરબી તરફ આવતી આઇસરના પાછળના વ્હીલ સાથે અથડાઈ ઉભી રહી ગઈ હતી. આ અકસ્માતમાં અર્ટિગા કાર સવાર પરિવારમાં કાર ચાલક પતિનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પત્ની અને બે બાળકો સારવારમાં હોય. હાલ આઇસર ચાલકની ફરિયાદના આધારે હળવદ પોલીસે મોરબી રહેતા મૃતક અર્ટિગા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કડીયા વાસમાં રહેતા અમિતભાઇ કાનજીભાઈ ચૌહાણ ઉવ.૩૧ ગઈ તા. ૧૧/૧૧ના રોજ પોતાની પત્ની અને બે બાળકો સાથે અર્ટીગા કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૪૮૪૮ લઈને મોરબી હળવદ હાઇવે ઉપર જઈ રહ્યા હોય ત્યારે હળવદ હાઇવે ઉપર કડીયાણા ગામ નજીક રોડ ઉપર આવતી ગોળાઈ નહીં લઈ અર્ટિગા કાર પુરપાટ ઝડપે સીધી ચલાવી દેતા કાર રોડ વચ્ચે આવેલ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર અમદાવાદથી મોરબી પુઠા ભરીને આવી રહેલ આઇસર રજી. નં. જીજે-૩૬-ટી-૭૫૭૮ વાળીના પાછળના ટાયર સાથે અથડાઇ ઉભી રહી ગયી હતી. જે અકસ્માતના બનાવમાં અર્ટિગા કાર ચાલક અમિતભાઈને માથામાં ગંભીર ઇજાઓને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમની પત્ની અને બંને બાળકો હાલ સારવારમાં હોય, ત્યારે સમગ્ર અકસ્માત મામલે આઇસર ગાડીના ચાલક કિશનકુમાર રંગીતભાઈ પરમાર ઉવ.૨૦ ખેડા જીલ્લાના સાલોડ ગામના રહેવાસીએ હળવદ પોલીસ મથકમાં મૃતક અર્ટિગા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.