મોરબી શકત શનાળા ગામ ખાતે તાંત્રીક વીધી કરવાના બહાને પરિવારને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી રૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર બે ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સોનાના દાગીના તથા સોનાના ઢાળીયા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ શકત શનાળા ગામ ખાતે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયાની ફરીયાદનાં આધારે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈ (રહે.શનાળા ગામ રામજી મંદીર પાસે મોરબી) વિરૂધ્ધ ફરીયાદીને તેઓનો ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધી કરવાના બહાને આશરે અઢી તોલાનું ૧ સોનાનું ચેન રૂ.૧,૫૦,૦૦૦/- તથા આશરે અડધા તોલાના રૂ.૩૦,૦૦૦/-નાં સોનાના ૨ કાપ તથા આશરે એક તોલાની રૂ.૭૦,૦૦૦/-ની કિંમતની ૬ સોનાની બુટી તથા આશરે અડધા તોલાની રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની ૨ સોનાની વીટી તેમજ રોકડા રૂ.૫૦,૦૦૦/- એમ કુલ રૂ.પીયા 3,30,000/- ની છેતરપીંડી કરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો.
જે આરોપીને પકડી પાડી મુદામાલ રીકવર કરવા માટે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાની સુચના આધારે નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે ગઇકાલ તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ ખાનગી હકિકતનાં આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઇ (રહે. શકત શનાળા ગામ રામજી મંદીર પાછળ તા.જી. મોરબી હાલ રહે. જુનુ રાસંગપર ગામ મુકેશગીરી કનુગીરી ગોસાઈ ના મકાનમાં તા.મુળી જી. સુરેન્દ્રનગર)ને પકડી પાડવામાં આવ્યો છે. અને આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી એ અલગ અલગ ફરીયાદી સહીત કુલ ૧૨ જેટલા માણસોને પોતાના વાતોમાં ફસાવી વિધી કરવાના બહાને વિશ્વાસ કેળવી અલગ અલગ સોનાના દાગીનાઓ તથા રોકડ રકમ મેળવેલ હોવાનું કબુલાત આપી છે. અને તે સોનાના દાગીના મેળવી પોતે શકત શનાળા ગામ રહેતા ચંન્દ્રસિંહ બટુકભા ઝાલાને અડાણે આપી તેના રૂપીયા મેળવી તે રૂપીયા વાપરી નાખતો હતો. તેવી કબુલાત આપી છે. જેથી તે આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલાને પણ અટક કરવામાં આવ્યો છે. અને પોલીસે કુલ રૂ.૪,૬૬,૫૦૦/-નો મુદામાલ બંને આરોપીઓ પાસેથી રિકવર કર્યો છે.