મિત્રની કાર બંધ પડી જતા મદદે આવેલ મિત્રને કાળ આંબી ગયો.
ટંકારાના લજાઈ ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલ બે મિત્રોને કિયા કારના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવીને આવી બંને મિત્રોને હડફેટે લેતા એક મિત્રનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય મિત્રને છાતી તથા ખંભાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, હાલ અકસ્માતના બનાવ મામલે ઘાયલ મિત્ર દ્વારા ટંકારા પોલીસ મથકમાં કિયા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગઈ તા.૧૪/૧૧ના રોજ મોરબી શનક રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કુલદીપભાઈ કિર્તીભાઈ છગાણી ઉવ.૨૭ પોતાના પરીવાર સાથે રાજકોટથી મોરબી આવતા હોય ત્યારે ટંકારાના લજાઈ ગામ નજીક મધુવન ગ્રીનના પાટીયા પાસે તેમની આઈ-૧૦ કાર બંધ પડી ગયેલ હોય જેથી તે કાર રોડની સાઈડ ઉપર રાખી કુલદીપભાઈ પરિવાર સાથે મોરબી આવી ગયા હોય, ત્યારે બીજે દિવસે તા.૧૫/૧૧ના રોજ કુલદીપભાઈના મિત્ર વિકાસભાઈ નરેશભાઈ ચંદવાણી રહે.મોરબીવાળા તેમજ ગેરેજવાળા ભાઈની સાથે વિકાસભાઈની સિયાજ લઈને લજાઈ ગામે ગયા હતા, જ્યાં બંધ પડેલી આઈ-૧૦ કાર ચાલુ કરીને ગેરેજવાળા ભાઈ કાર લઈને ચાલ્યા ગયા હતા.
ત્યારે કુલદીપભાઈ અને વિકાસભાઈ રોડની સાઈડમાં ઉભા હોય તે દરમિયાન કિયા કાર રજી.નં. જીજે-૧૦-ડીઆર-૧૭૪૫ ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવી આવીને બંને મિત્રો સાથે અથડાવી બંનેને રોડ ઉપર ફંગોળતા, કુલદીપભાઈ અને વિકાસભાઈ રોડ ઉપર અર્ધ બેભાન હાલતમાં પટકાયા હતા, અકસ્માત સર્જી કિયા કાર રોડ સાઈડમાં ઉભેલ વિકાસભાઈની કાર સાથે ભટકાઈને ત્યાં ઉભી રહી ગયી હતી, ત્યારે બાંબે મિત્રોને ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં કુલદીપભાઈને ખંભા અને છાતીમાં ફ્રેકચર જેવી ઇજાઓ સારવાર ચાલુ હોય, જ્યારે વિકાસભાઈને છાતી તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય જેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન વિકાસભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે કુલદીપભાઈ દ્વારા ટંકારા પોલીસ મથકમાં આરોપી કિયા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવી છે.