હળવદ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરી રહેલ રાજસ્થાની યુવક પોતાના વતન જતો હોય ત્યારે માર્કેટિંગ યાર્ડથી સામેના રોડ ઉપર જવા રોડ ક્રોસ કરી રહ્યો હોય ત્યારે પુરપાટ ઝડપે આવતા ટેઇલર-ટાંકા હડફેટે ચડતા શરીરે ગંભીર ઇજા પહોંચતા હળવદ, મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા હોય તે દરમિયાન રસ્તામાં જ શ્રમિક યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું, હાલ મૃતક યુવકના કુટુંબી ભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં ટેઇલર-ટાંકાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ડેલું કી ઢાણીના વતની હાલ હળવદ માર્કેટિંગ યાર્ડમાં રહેતા ઓમારામભાઈ જ્વરારામભાઈ જાંટ ઉવ.૨૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી ટેઇલર-ટાંકા રજી.નં. જીજે-૦૬-બીટી-૩૬૬૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૮/૧૧ના રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ ઓમારામભાઈના મોટાબાપુનો દીકરો આસુરામભાઈ પુરારામભાઈ જાંટ ઉવ.૩૩ રહે હાલ હળવદ માર્કેટિંગ યાર્ડ મૂળ રાજસ્થાન ડેલું કી ઢાણી વાળા વતનમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ટેઇલર-ટાંકાના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી આવી હળવદ માર્કેટિંગ યાર્ડથી હાઇવે રોડ ક્રોસ કરી રહેલ આસુરામને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા આસુરામને પ્રથમ હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલ જ્યાંથી વધુ સારવારમાં અમદાવાદ ખાતે રીફર કરવામાં આવતા રસ્તામાં જ આસુરામભાઈએ દમ તોડ્યો હોય જેથી તેઓને હળવદ સરકારી હોસ્પિટલ પરત લાવવામાં આવ્યા હતા, જ્યાં પીએમ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. હાલ હળવદ પોલીસે આરોપી ટેઇલર-ટાંકાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.