ખેતીની જમીનમાં વાવેતર કરી, ખાલી કરવા રૂપિયાની માંગણી કરતા બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબી તાલુકાના બરવાળા ગામે ખેતીની કિંમતી જમીન ઉપર છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી વાવેતર ઉપરાંત જમીન ખાલી કરવા રૂપિયાની માંગણી કરતા બે ઈસમો વિરુદ્ધ ખેતીની જમીનના માલીક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મોરબી તાલુકાના આમરણ ગામના રહેવાસી હાલ રવાપર ગામ મારુતિ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મગનભાઇ થોભણભાઇ ભાલોડીયા ઉવ.૬૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રણછોડભાઇ ઉર્ફે લાલો જીવણભાઇ ખાંભલા તથા રતાભાઇ દેવાભાઇ ખાંભલા રહે. બંને બરવાળા તા.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી મગનભાઈની માલીકીની મોરબી તાલુકાના બરવાળા ગામના સર્વે નંબર-૮૪ પૈકી-૧, ની હેકટર-૦૦-૯૨-૦૭ ચો.મી. જેની જંત્રી મુજબની કિ.રૂ. ૨.૯૦ લાખ જેની હાલની બજાર કિમંત આશરે ૫૦ લાખ ગણાય તે કિમતી ખેતીની જમીનમાં આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી રતાભાઈએ ફરીયાદીની માલીકીની જમીનમાં આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલોના કહેવાથી કોઇપણ જાતના આધાર વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીનમાં વાવતેર, ખેતી કરી, જમીનનો અનઅધિકૃત રીતે કબ્જો કરી લીધો હતો, આ ઉપરાંત કબ્જો ખાલી કરવા બદલ ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરતા હોય અને આ રીતે છેલ્લા બે વર્ષથી જમીન પચાવી પાડી, જમીનનો કબ્જો ખાલી નહી કરતા હોય તે મુજબની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.