આરોપી ડિલિવરી બોય દ્વારા ગ્રાહકોના પાર્સલ ખોલી તેમાં નોન-યુઝ વસ્તુ મૂકી કરતો હતો ઠગાઇ
મોરબીના કંડલા બાયપાસ પાસે કામધેનુ સામે આવેલા ફ્લિપકાર્ટ વેરહાઉસમાં કામ કરતા ડિલિવરી બોયે ગ્રાહકોના નામે મોંઘી વસ્તુઓ મંગાવી, તે પોતે જ ચોરી કરીને પાર્સલમાં નોન-યુઝ આઇટમ્સ સાથે બદલાવ કરી કંપની સાથે છેતરપીંડી કર્યા અંગેની અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રાજકોટ રાજનગર-૫ માં રહેતા મહેશભાઇ મોહનભાઇ રાઠોડે આરોપી રફીકભાઈ હનીફભાઈ ભટી રહે. વાવડી રોડ ન્યુ ક્રિષ્ના પાર્ક સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફ્લિપકાર્ટ પ્રા.લીના લોજિસ્ટિક્સ પાર્ટનર ઇન્ટાકાર્ટ પ્રા.લીમાં કામ કરતા ડિલિવરીબોય આરોપી રફીકભાઇ હનીફભાઇ ભટીએ ગત તા.૨૨/૧૦ થી ૧૯/૧૧ ના સમયગાળા દરમિયાન ફ્લિપકાર્ટ વેરહાઉસમાંથી મોંઘી વસ્તુઓ, જેમ કે સોની પ્લેસ્ટેશન ૫ રૂ.૪૪,૦૦/-, સોની પ્લેસ્ટેશન ૪ રૂ.૩૩,૦૦૦/-, એપલ એરપોડ્સ રૂ.૨૩,૫૦૦/- અને એપલ એરપોડ્સ પ્રો રૂ.૨૩,૦૦૦/- જેવી વસ્તુઓના ઓર્ડર ગ્રાહકોના નામે મંગાવ્યા. પરંતું, ડિલિવરી સમયે તે વસ્તુઓ પેકેજમાંથી કાઢી તેમાં બીજા નોન-યુઝ આઇટમ મૂકીને કંપની સાથે કુલ રૂ.૧,૨૩,૫૦૦/-ની છેતરપીંડી કરી હોય તે મુજબની ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.