હરીપર કેરાળા ગામે આઇકોલક્ષ સીરામીક પાસે લૂંટના ઇરાદે કરવામાં આવેલ હત્યામાં માળીયા(મી)ના ત્રણ આરોપીઓની મુદામાલ સાથે ધરપકડ
મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે મજૂર ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગની ચાકુના ત્રણ ઘા મારી હત્યા કરવાના ગુનાનો ભેદ એલસીબી ટીમે ગણતરીના સમયમાં ઉકેલ્યો છે. જેમાં લૂંટના ઇરાદે મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો દ્વારા શ્રમિકની હત્યા કરવામાં આવી હોય હાલ હત્યા નિપજાવનાર ત્રણેય આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીકમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ મસલ્યા ગામના શ્રમિક ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ ગત તા.૨૨/૧૧ના રોજ રાત્રે કોઈ કારણોસર સીરામીક ફેક્ટરી બહાર નીકળ્યા હતા ત્યારે આઇકોલક્સ કારખાનાની કેન્ટીન નજીક અજાણ્યા ઇસમે છરીના ત્રણ ઘા મારી શ્રમિકની હત્યા નિપજાવી હતી. હત્યાના બનાવ અંગે ફરિયાદી કરણસિંહ પુથ્વીસિંહ નાયક રહે.રાજસ્થાનવાળા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક સૂચના કરવામાં આવતા જે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધી કાઢવા સતત કાર્યરત હોય તે દરમિયાન બાતમીના આધારે આરોપીઓ હરીપર કેરાળા ગામની સીમમાં ખોખરા હનુમાનજી રોડ ઉપરથી મળી આવ્યા હતા. જે ત્રણેય આરોપીઓ સી.સી.ટી.વી. ફૂટેજમાં જોવામાં આવેલ વર્ણન મુજબના હોય જેથી તેઓને પકડી લઈને અંગ ઝડતી કરતા હત્યા થયેલ શ્રમિકનો મોબાઇલ ફોન તેમની પાસેથી મળી આવ્યો હતો, જે બાદ ત્રણેય આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા હત્યા કર્યાની કબુલાત આપતા ત્રણેય આરોપીઓ ઇસ્માઇલ સલેમાનભાઇ સખાયા ઉવ.૨૦ રહે.માળીયા(મી) વાડા વિસ્તાર, અવેશ સુભાનભાઇ હુસેનભાઈ મોવર ઉવ.૧૯ રહે.માળીયા ઇદ મસ્જીદ નજીક તથા સાહિલ અબ્દુલભાઇ ગુલમામદભાઈ મોવર ઉવ.૧૯ રહે.માળીયા વાડા વિસ્તારવાળાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મૃતક ધર્મેન્દ્રસિંગના મોબાઇલ સહિત ૪ નંગ મોબાઇલ કિ.રૂ.૨૦ હજાર, હીરો સ્પેલન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એકે-૬૧૫૬ કિ.રૂ.૧૫ હજાર સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
વધુમાં પકડાયેલ ત્રણેય આરોપીઓની મોડસ ઓપરેંડીમાં
ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મોટર સાયકલમાં તથા ફોરવ્હીલ ગાડી સાથે નીકળી મોરબીના અલગ અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રાત્રીના સમયે એકદ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાકધમકી આપી મોબાઇલ ફોન તથા રોકડ રકમ પડાવી લેવાની ટેવવાળા છે અને જો કોઇ મજુર તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપે છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે મોરબીના તમામ પ્રજાજનો, વેપારીઓ તથા મજુર વર્ગ મોડી રાત્રીના સમય દરમ્યાન કાચા રસ્તે તેમજ અવાવરુ જગ્યાઓએ જતી વખતે પોતાની તથા પોતાની પાસેની કિંમતી ચીજવસ્તુઓ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની સાવચેતી રાખવી તેમજ અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવાનું જણાવવામાં આવ્યું છે.
આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલસીબી/પેરોલ ફર્લો પોલીસ ટીમ રોકાયેલ હતી.