મોરબીના પંચાસર રોડ પર રહેતા યુવાન પર વ્યાજખોરોએ ઉચું વ્યાજ ભરપાઇ કરવા બળજબરી કરી હતી, તથા અન્ય વ્યાજખોરોએ વ્યાજે લીધેલ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ભોગ બનનાર યુવકને અલગ અલગ સ્થળોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ છ વ્યાજખોર સામે ફરીયાદ નોંધાઈ છે. ત્યારે અત્રેના સીટી એ ડીવીઝન પોલીસે સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે, ઉલ્લેખનીય છે કે ગઈકાલે વ્યાજના રૂપિયા બાબતે મોરબીના પ્રખ્યાત મહાદેવના મંદિરના પૂજારી યુવકને માર મારવાની ફરિયાદમાં પાંચ આરોપીઓ પૈકીના હોથલ ફાયનાન્સવાળા સહિતના બે આરોપીઓના હાલની ફરિયાદમાં પણ નામ નોંધાયા છે.
મોરબીના પંચાસર રોડ ઉપર કામધેનુ સોસાયટીમાં સંકલ્પ હાઇટ્સ-૧ બ્લોક નં.૧૦૩માં રહેતા ધાર્મીકભાઇ કમલેશભાઇ ઠોરીયાએ છ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ અનુસાર, આરોપીઓ સુરેશભાઇ રબારી, માધવ બોરીચા, ભરતભાઇ બોરીચા, શીવમ રબારી (હોથલ ફાઇનાન્સ), હીરાભાઇ ભરવાડ, અને પંકજ ઉર્ફે ધવલ ફેફરએ ફરીયાદી પાસેથી ઉચું વ્યાજ વસુલ્યું અને બળજબરીપૂર્વક વધુ રકમ પડાવવાનો પ્રયાસ કરી આરોપીઓએ વારંવાર ધમકી આપી, અને વધુ વ્યાજની રકમ ન ચૂકવવા પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઉપરાંત, આરોપી હીરાભાઇ ભરવાડ રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી તથા આરોપી પંકજ ઉર્ફે ધવલ ફેફર રહે. અજનાળી મોરબી વાળાએ વ્યાજના કમિશન પેટે રકમ પણ ઉઘરાવી હતી. વ્યાજખોરોએ ફરિયાદી ધાર્મિકભાઈને અલગ અલગ સ્થળોએ, જેમ કે મોરબીના જુના મહાજન ચોક, વાવડી રોડ, અને ત્રાજપર ચોકડી હોથલ ફાયનાન્સ, એચડીએફસી ચોક એમ અલગ-અલગ જગ્યાઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત નાણાની ગેરકાયદે ધીરધાર કરનાર બાબતના અધિનિયમ તથા બીએનએસની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.