મોરબીના લાલપર નજીક આવેલ સીરામીક સીટી સામે સાસુ-વહુ હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હોય ત્યારે પુરપાટ ગતિએ આવતી કારે વહુને ઠોકરે ચડાવતા રોડ ઉપર પટકાતા માથામાં થયેલ ગંભીર ઇજાઓને કારણે સારવારમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે અજાણી કારના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં મૃતક મહિલાના પતિ દ્વારા ફરિયાદ નોંધાવી છે.
હિટ એન્ડ રનના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા જયેશભાઇ રાઘવજીભાઈ અઘારા ઉવ.૨૮ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા. ૨૩/૧૧ના રોજ સવારના અરસામાં ફરીયાદી જયેશભાઈને માતા શારદાબેન તથા પત્નિ ઉર્વિશાબેન બન્ને રીક્ષામા બેસવા માટે રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે વાકાનેર-મોરબી તરફ જતા હાઇ-વે પર સીરામીક સીટીના ગેટ સામે આવેલ કટ પાસે એક અજાણ્યા કાર વાહન ચાલકે પોતાના હવાલાવાળી કાર વાહન ફુલ સ્પીડમા અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી પાછળથી જયેશભાઇના પત્નિ ઉર્વિશાબેનને ઠોકર મારતા ઉર્વિશાબેન રોડ પર પડી ગયા હતા. જેમા ઉર્વિશાબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે અજાણ્યો કારનો ચાલક પોતાની કાર ચલાવીને સ્થળ ઉપરથી નાશી ગયેલ હતો. બીજીબાજુ ઇજાગ્રસ્ત ઉર્વીશાબેનનું ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.