અણીયારી ટોલનાકા નજીક બનેલ બનાવમાં કાર સવાર બે સહિત ચાર લોકો ઘાયલ
માળીયા તાલુકાના અણીયારી ટોલનાકા પાસે જૂની અદાવતનો ખાર રાખી જુદી જુદી ચાર ગાડીઓમાં પ્રાણઘાતક હથિયારો સાથે આવેલ ૭ શખ્સોએ અર્ટિગા કાર આંતરી કારમાં સવાર ત્રણ વ્યક્તિને બાનમાં લીધા હતા, અર્ટિગા ઉપર આડેધડ ધોકા,પાઇપ, કવાડા સહિત હુમલો કરી માળીયા(મી)ના નવાગામ રહેતા બે કાકા એક ભત્રીજાને માર મારવામાં આવ્યો હતો, જે બાદ ઇજાગ્રસ્ત ત્રણેયને સગાવ્હાલા દ્વારા સારવાર અર્થે લઈ જતા હોય ત્યારે તમામ ને મારી નાખવાના ઇરાદે તેમની ઉપર કાર ચડાવી દેતા કુલ ચાર ઈસમોને ઇજાઓ પહોંચાડી તમામ આરોપીઓ નાસી ગયા હતા. હાલ ભોગ બનનાર દ્વારા સાતેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગઈકાલ તા.૧ ડિસેમ્બરના રોજ બપોરે ૨ વાગ્યાના અરસામાં માળીયા(મી) ના અણીયારી ટોલનાકા નજીક ૭ શખ્સોએ માળીયા(મી)ના નવાગામ રહેતા અબ્દુલભાઈ ઉર્ફે કાળુ ઉમરભાઈ જેડાની અર્ટિગા કાર રજી.નં.જીજે-૩૯-સીબી-૭૧૮૧ રોકી તેમના પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલો કરનાર આરોપીઓમાં ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર, રફીક હાજીભાઈ મોવર, ઇકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી, જાકીર હબીબ જેડા રહે-બધા ખીરઈ તથા અવેશ હબીબ જેડા, સબીર જાકીર જેડા તથા કાળા જાકીર જેડા રહે ત્રણેય વાંઢ વિસ્તાર રોડ માળીયા(મી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ફરીયાદીના ભાણેજ સદામને આ કામના આરોપી ઇકબાલ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હોય તેનું મનદુખ રાખી આ કામના તમામ સાતેય આરોપીઓ સમાન ઇરાદો પાર પાડવા ધારીયા, કવાડી, ધોકા તથા છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ગેર કાયદેસર મંડળી રચી ફરીયાદીની અર્ટીકા ફોરવ્હીલ ઉભી રખાવી તેના ઉપર તમામ આરોપીઓએ હથીયારોથી હુમલો કરી ગાડીમાં નુકશાની કરી હતી, આ હુમલામાં ફરીયાદી અબ્દુલભાઇને ખંભે ધોકાથી ઇજા કરી તેમજ આરોપીઓએ પોતાના હવાળાવાળી ગાડીઓ થાર, ફોર્ચ્યુનર, સ્વીફ્ટ, આઈ ૨૦ વાળી લઇ ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદેથી તેઓના માથે ચડાવી દઇ ફરીયાદીને પાછળના ભાગે કમરથી ઉપર તથા સાહેદ હૈદરભાઈને ડાબા પગની ત્રણ આંગળીમા ફેક્ચર તથા સાહેદ મોસીન ઉર્ફે ડીકાને ડાબા પગમા ફેક્ચર તથા સાહેદ નિજામભાઈને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ હતી. હાલ પોલીસે સાતેય આરોપીઓ સામે ગુનો નોંધી તમામની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.