તાલુકા પોલીસે કુલ ૪.૩૦ લાખના મુદામાલ સાથે આરોપીની અટક
મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક રવિરાજ ચોકડી પર ગૌરક્ષકોની વોચ દરમિયાન, ગેરકાયદે પશુ હેરાફેરી કરતી બોલેરો કારને રોકી તેની તલાસી લેતા બોલેરોમાં ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા ૪૦ ઘેટાં મળી આવ્યા હતા, જેથી તેમને છોડાવ્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે બોલેરો અને ઘેટાં સહિત કુલ રૂ. ૪.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી બોલેરો ચાલક આરોપીની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીની સોની બજાર વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાન્તભાઇ પાટડીયા ઉવ.૩૦ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી અલીશા ઉમરશા શેખ( ઉવ.૩૦ રહે.ગામ શિકારપુર તા.ભચાઉ જી.કચ્છવાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે બોલેરો કાર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૮૩૪૭ના આરોપી ચાલકે કોઇ સક્ષમ અધિકારીઓની પાસ પરમીટ વગર રાત્રીના સમયે પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી તથા પાણી કે ઘાસચારાની સગવડ વગર ક્રુરતાપુર્વક બોલેરો ગાડીમાં નાના ઘેટાં જીવ નંગ-૪૦ જેમાં એક ઘેટાની કિ.રૂ.- ૩ હજાર લેખે ૪૦ ઘેટાની કિ.રૂ. ૧.૨૦ લાખ તથા બોલેરો ગાડી કિ.રૂા.૩ લાખ ગણી કુલ કિ.રૂા.૪.૨૦ લાખના મુદામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. હાલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પશુપ્રત્યે ઘાતકીપણુ નિવારણ અધિનિયમ હેઠળની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.